એમડી અને એલએસડી સાથે પકડાયેલા બે શખ્સો રિમાન્ડ પર: તપાસ શરૂ
વિદ્યાનગર પોલીસે કરમસદના ભુતીયાવડ પાસેથી બે શખ્સોને ૬૩.૦૩ લાખના એમડી અને એલએસડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડેલા બન્ને શખ્સોને આજે કોર્ટમાં રજુ કરીને તપાસ કરતી એસઓજી પોલીસે પાંચ દિવસના રીમાન્ડ પર મેળવ્યા છે. રીમાન્ડ દરમ્યાન આ નશીલા ડ્રગ્સની હેરાફેરી અને વેચાણ સંદર્ભે કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી પર આવવાની શક્યતા જોવાઈ રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બર્ગમેન ઉપર સવાર થઈને ડ્રગ્સની ડીલીવરી આપવા માટે નીકળેલા પરવેઝ હકિમભાઈ સૈયદ (રે. આણંદ) અને મોસીનખાન સીરાજખા પઠાણ (રે. વલાસણ)ને ૫૩૬૦૦ રૂપિયાની કિંમતના ૫.૩૬ ગ્રામ એમડી ડ્રગ્સ અને ૬૨.૫૦ લાખની કિંમતના ૨૫૦ મીલીગ્રામ એલએસડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ ૬૩.૮૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને વિદ્યાનગર પોલીસ મથકે એનડીપીએસ ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ આણંદ એસઓજીને સોંપવામાં આવી હતી.
આજે બન્નેને કોર્ટમાં રજુ કરીને પોલીસે આ નશીલા ડ્રગ્સનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી, કેવી રીતે લાવતા હતા ? કોને-કોને વેચતા હતા ? અત્યાર સુધીમાં કેટલું ડ્રગ્સ લાવીને કોને-કોને વેચ્યુ છે ? બીજા કોઈ સંડોવાયા છે કે કેમ ? જેવી બાબતોની તપાસ માટે સાત દિવસના રીમાન્ડની માંગણી કરી હતી. જો કે કોર્ટે પાંચ દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. રીમાન્ડ મેળતાં જ પોલીસે બન્નેની તલસ્પર્શી તપાસ હાથ ઘરી છે. પ્રાથમિક તપાસમાં વડોદરાના કોઈ શખ્સ દ્વારા વોટ્સેપ કોલીંગ કરીને ડ્રગ્સનો જથ્થો લાવતા હોવાનું ખુલવા પામ્યું છે. જેને લઈને પોલીસે આ શખ્સને પણ ઝડપી પાડવાની તજવીજ હાથ ઘરી છે. ડીએસપી જી.જી. જસાણીના જણાવ્યા અનુસાર એલએસડી ડ્રગ્સ આણંદ જિલ્લામાં પ્રથમ વખત જ પકડાયું છે પરંતુ તે જુનું ડ્રગ્સ છે. જ્યારે એમડી ડ્રગ્સ નવું છે. પોલીસ દ્વારા તેના મુળ સુધી પહોંચવાની કવાયત હાથ ઘરવામાં આવી છે અને આગામી દિવસોમાં ડ્રગ્સની હેરાફેરી અને કોને કોને વેચવામાં આવતું હતુ જેવી બાબતો ઉજાગર થશે તેમ જણાવ્યું હતુ.
પરવેઝ સૈયદે લંડનની વેસ્ટ યુનિ.માં માસ્ટર ઓફ હ્યુમન રીસોર્સ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યાનું ખુલ્યું
એમડી અને એલએસડી ડ્રગ્સ સાથે ઝડપાયેલો પરવેઝ સૈયદે ઉચ્ચ અભ્યાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સને ૨૦૦૭ થી ૨૦૧૧ વર્ષ દરમ્યાન તેણે લંડનની ઈસ્ટ યુનિવર્સીટીમાં માસ્ટર ઓફ હ્યુમન રીસોર્સ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તે ભારત પરત ફર્યો હતો અને વિદશી દારૂની હેરાફેરી કરતા કરતા નશીલા ડ્રગ્સની હેરાફેરી અને વેચાણના ધંધામાં લાગી જવા પામ્યો હતો. બોરીયાવીના મલેકવાડામાં તેનો ગાય-ભેંસોનો તબેલો પણ આવેલો છે. અને લોન્ડ્રીની દુકાન ધરાવીને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો પણ ધંધો કરે છે. જ્યારે મોસીન માત્ર ૧૧ પાસ છે અને હાલમાં સાઈનબોડ અને ડીઝાઈન તેમજ સ્કેચ બનાવવાનું કામકાજ કરે છે.