સરદાર પટેલ યુનિ. હવે 5 બેચલર કોર્સ શરૂ કરશે
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આગામી નવા શૈક્ષણિક વર્ષથી સેલ્ફ ફાયનાન્સ બેચલર કોર્સ શરૂ કરવામાં આવશે. ગત જાન્યુઆરીમાં મળેલી એક્ઝિક્યુટીવ કાઉન્સિલ(ઈસી)ની બેઠકમાં આ નિર્ણય કરાયા બાદ સોમવારે વાઈસ ચાન્સેલર દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરાઈ હતી.
આ અંગે વાત કરતા વાઈસ ચાન્સેલર નિરંજન પટેલે જણાવ્યું હતું કે, નવી શૈક્ષણિક નીતિ લાગુ કરાયા બાદ કોલેજોમાં જે રીતે ગ્રેજ્યુએટ કોર્સ ચાલી રહ્યા છે તે જ પ્રકારના કોર્સ આગામી સમયમાં યુનિવર્સિટી હસ્તક શરૂ કરાશે. ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં બીએ, ડીએમએલટી, બી. કોમ, એલએલબી અને બેચલર ઓફ સાયન્સનો સમાવેશ થાય છે.
નવી શૈક્ષણિક પદ્ધતિ અંતર્ગત આ કોર્સ શરૂ કરાશે, જે સેલ્ફફાઇનાન્સ હશે. જોકે, તેની ફી અન્ય કોલેજો જેવી જ વિદ્યાર્થીઓને પોસાય તે રીતની જ રાખવામાં આવશે. જોકે, નોંધનીય બાબત તો એ છે કે, આણંદ, વિદ્યાનગર ઉપરાંત નડિયાદ-ખેડા જિલ્લામાં યુનિવર્સિટી સંલગ્ન અનેક કોલેજો છે કે જ્યાં સરકારી તથા સેલ્ફ ફાયનાન્સ કોર્સ ચાલી રહ્યા છે. જોકે, છેલ્લાં કેટલાંય સમયથી કોલેજોમાં સીટો ખાલી રહેવાની સમસ્યા હોય છે ત્યારે યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવતા કોર્સમાં વિદ્યાર્થીઓ મળશે કે કેમ તે પ્રશ્નાર્થ છે.