જિલ્લા કક્ષાની ઓફ સાઈટ મોકડ્રીલનું આયોજન
ખંભાત તાલુકાના સોખડા ખાતે આવેલ શીતલ કેમિકલ ઇન્ડસ્ટ્રિઝમાં કલોરિન લીકેજ થયુ હોવાના મેસેજ મળતા તાત્કાલિક જિલ્લાના અને ખંભાત તાલુકાના અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા.
શીતલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના યુનિટ-1 ખાતે કોઈ અગમ્ય કારણોસર ક્લોરીન સ્ટોરેજ એરિયામાં ક્લોરીન ટોનરનાં નીચેનાં વાલ્વમાંથી લિકવિડ ક્લોરીન લિકેજ થયેલ છે, તેવી જાણકારી મળતાં જ મોટી દુર્ઘટના ટાળી શકાય તે માટે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના મદદનીશ નિયામક રીનાબેન રાઠવાએ તાત્કાલિક વડુચી માતા મંદિરથી સોખડા બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો બંધ કરાવ્યો હતો. સાથો-સાથ ક્લોરિન લીકેજના સમાચાર મળતા જ ઓએનજીસી, જીએસઈસીએલ, જય કેમિકલ અને ખંભાત નગરપાલિકાનું ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું.
સોખડા શીતલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીનાં જિલ્લાના અધિકારીઓ, મામલતદારખંભાત, ટીડીઓ ખંભાત, રૂરલ પોલીસ ખંભાત, તલાટી, સરપંચ, 108ની ટીમ, આજુબાજુના કારખાનાઓના પ્રતિનિધિઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પરીસ્થિતિથી વાકેફ બન્યા હતા. આ બાબતે મદદનીશ નિયામક રીનાબેન રાઠવાએ જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન અને સૂચના મુજબ આ જિલ્લા કક્ષાના ઓફ સાઈટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં સ્થળ ઉપર ઉપસ્થિત રહેલા કંપનીના અધિકારી, કર્મચારીઓ, આજુબાજુ કારખાનાના ઉપસ્થિત રહેલ કર્મચારીઓ અને સરકારી અધિકારી કર્મચારીઓને આ રીતે ક્લોરિન લીકેજની દુર્ઘટના સર્જાય તેવા સમયે કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ તે બાબતોથી અવગત કરીને આવા આપત્તિના સમયમાં તાત્કાલિક રસ્તા બંધ કરવાથી લઈને ૧૦૮ ની સેવા, ફાયર ટેન્કર બોલાવવા જેવી અગત્યની બાબતોથી બધાને વાકેફ કરવામાં આવ્યા હતા.