સિંચાઈ વિભાગ પ્રો-એક્ટિવ બનીને કાંસની સાફ-સફાઈ કરે તે ખાસ જરૂરી - કલેક્ટર
પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં કોઈ કામ બાકી રહી ન જાય તે જોવા જિલ્લા કલેકટરનો અનુરોઘ
આણંદ જિલ્લામાં ચોમાસા પૂર્વે (પ્રિ-મોન્સુન) તૈયારીના ભાગરુપે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આણંદના સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી.જિલ્લા કલેક્ટરે ચોમાસા દરમિયાન કરવાની થતી કામગીરી અને તેની આગોતરી તૈયારીઓની વિસ્તૃત જાણકારી મેળવી અધિકારીઓને ગત ચોમાસા દરમિયાન આણંદ જિલ્લામાં જે ગામો ખાતે તકલીફ ઊભી થઈ હતી, તે આ ચોમાસા દરમિયાન ન થાય તેવી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શેઠની શિખામણ ઝાંપા સુધી રહે છે કે અધિકારીઓ કામે લાગે છે ?
જિલ્લા કલેક્ટરે સમગ્ર જિલ્લામાં ગામે ગામ પાણી નિકાલ માટેના માર્ગોની તેમજ કાંસની જરૂરી સાફ-સફાઈ થાય તે માટે સિંચાઈ વિભાગને પ્રો-એક્ટિવ બનીને કાર્ય કરવા તાકિદ કરી હતી.
ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ, જરુરી સફાઈ વ્યવસ્થા, દવા છંટકાવ કરવા, વન વિભાગ દ્વારા રસ્તા ઉપર નમી પડેલા ઝાડ અને ડાળીઓનું ટ્રિમીંગ થાય તે મુજબની કાર્યવાહી કરવા, જિલ્લામાં તમામ સ્થળોએ આરોગ્યલક્ષી કામગીરી માટે દવાઓનો પૂરતો જથ્થો, મેડિકલ કિટ સહિતની તૈયારી માટેનું આયોજન કરવા આરોગ્ય વિભાગને સૂચના આપી હતી.
આ ઉપરાંત પ્રી-મોનસુન એક્ટિવિટીમાં કોઈ કામ બાકી ન રહી જાય તે માટે પણ તેમણે અધિકારીઓને જણાવ્યું હતું.જિલ્લાના વિવિધ વિભાગો ખાસ કરીને ફોરેસ્ટ, એમજીવીસીએલ, પંચાયત, કાસ વિભાગ દ્વારા પ્રિમોન્સૂન એક્ટિવિટી માટે કરવામાં આવેલ કામગીરીનો માર્ચના અંતે રિવ્યુ કરવામાં આવશે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.વી. દેસાઈ, પેટલાદના મદદનીશ કલેક્ટર હિરેનભાઈ બારોટ સહિત સંકલન સમિતિના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
