ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયું હોવાના આક્ષેપ કરી પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો
બોરસદના કસુંબાડ ગામમાં રહેતી 27 વર્ષીય મહિલાનું કોથળીનું ઓપરેશન આંકલાવની સંદીપ પટેલની શ્રી હોસ્પિટલમાં કરવામાં આવ્યા બાદ તેને સારવાર બાદ તબીબે ઘરે જવા માટે રજા આપી હતી. બાદમાં ઘરે ગયા બાદ મહિલાની તબિયત લથડી હતી. જેથી તેને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં તબીબે મૃત જાહેર કરતા ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયું હોવાના આક્ષેપ કરી પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતાં જ જિલ્લા આરોગ્ય શાખાએ સરકાર માન્ય કુટુંબ કલ્યાણ સેવા કેન્દ્રની માન્યતા રદ કરી દીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આંકલાવ શહેરની સંદિપ પટેલની શ્રી હોસ્પિટલમાં બોરસદના કસુંબાડની 27 વર્ષીય મહિલા હેતલબેન કિરણભાઈ પઢીયારનું બુધવારે કોથળીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન બાદ મહિલાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
જોકે, તેણી ઘરે ગયા બાદ તેણીની તબિયત લથડી હતી. જેને પગલે મહિલાને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે પરિણીતાને મૃત જાહેર કરી હતી. પરિવારજનોએ તબીબની બેદરકરી હોવાનો આક્ષેપ કરી હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાની જાણ આંકલાવ પોલીસ મથકે કરાઇ હતી. જેથી પોલીસે આકસ્મિક મૃત્યુ નોંધી પેનલ પોસ્ટમોર્ટમ કરાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આંકલાવના તબીબ સંદિપ પટેલની સરકાર માન્ય કુટુંબ કલ્યાણ સેવા કેન્દ્ર અને લેપ્રોસ્કોપી ટી.એલ સર્જન તરીકેની માન્યતા રદ કરવામાં આવી છે. આ બનાવને લઈને બોરસદ સહિત કસુંબાડામાં ચર્ચાનો વિષય બની ગયો છે.