મનપાની ટીમોએ સપાટો બોલાવીને અમૂલ ડેરી રોડ સહિત જુદા જુદા વિસ્તારોમાં 16 જેટલા દબાણો હટાવ્યા
આણંદ શહેરમાં ફરિયાદોને પગલે મનપાની ટીમોએ સપાટો બોલાવીને અમૂલ ડેરી રોડ સહિત જુદા જુદા વિસ્તારોમાં 16 જેટલા દબાણો હટાવીને સ્થળ પર એક 1.25 લાખનો દંડ વસુલાત કરીને ફરીથી દબાણ નહીં કરવા સુચનાઓ આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લા કલેક્ટરે આણંદ શહેરને દબાણ મુકત બનાવવા માટે નિર્ણય કર્યો છે. ત્યારે મનપાની ટીમોએ વારંવાર સુચના આપવા છતાં ટૂંકી ગલી, સ્ટેશન રોડ, વહેરાઈમાતા,આણંદ વિદ્યાનગર રોડ, મહેન્દ્ર ચાર રસ્તા સહિત અન્ય વિસ્તારોમાં દબાણો હટાવવા છતાં જેૈ સે હાલતમાં ગોઠવાઇ જાય છે. આખરે દબાણ કર્તાઓ સામે દબાણ હટાવવાની સાથે દંડ વસુલવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે અમૂલ ડેરી રોડ પર આવેલ ડિ-માર્ટ બહાર ગેરકાયદે દબાણોના કારણે 10થી વધુ સોસાયટી વિસ્તારના રહીશોને હાલાકીઓનો ભોગ બનવું પડતું હોવાથી ટીમોએ સપાટો બોલાવીને દબાણો દૂર કરીને રૂ 50 હજાર દંડ વસુલાત કરવામાં આવી હતી.
ત્યારબાદ જુદા જુદા વિસ્તારોમાં 16 એકમોમાં નોટીસ ફટકારીને કુલ રૂ 1.25 લાખનો દંડ વસુલાત કરીને બીજી વખત દબાણો નહીં કરવા સુચના આપવામાં આવી હતી. આણંદ મનપાની ટીમો દ્વારા ચાલુ સપ્તાહે ઘરે ઘરે ફરીને બાકી રહેલા વેરાની વસુલાત કરવામાં આવશે. 50 હજારથી વધુ વેરો બાકી પડતો હોય તેઓ વેરો ન ભરે તો નળ કનેક્શન કાપી નાંખવામાં આવશે.