આણંદ મહાનગરપાલિકા વિસ્તારની રેસ્ટોરન્ટો અને ખાણીપીણીના એકમો ઉપર સ્વચ્છતા/હાઇજીન બાબતે સઘન તપાસ હાથ ધરાઈ
આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ ધ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ રેસ્ટોરન્ટો તેમજ ખાણીપીણીના એકમો ઉપર સ્વચ્છતા તેમજ હાઇજીન બાબતે સઘન તપાસ ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાની સુચના અને માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સ્વચ્છતા તેમજ હાઇજીન સંદર્ભે બેદરકારી રાખતા વિદ્યાનગર વિસ્તારમાં આવેલા એકમો હોકોઇટરી, રાધે ઢોકળા, મુચ્છડ ઢાબા, ડી.જે. રેસ્ટોરન્ટ ખાતે મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ એકમો સ્વચ્છતા રાખતા ન હોય તેઓ પાસેથી દંડકીય કાર્યવાહી કરી સ્થળ ઉપર જ કુલ રૂ. 41000/- વસૂલ કરવામાં આવ્યા છે. આ એકમોને જો આગામી સમયે પણ સ્વચ્છતા તેમજ હાઇજીન સંદર્ભે બેદરકારી જોવા મળશે, તો આવા સ્થળોને સીલ મારવામાં આવશે, તેવી ચેતવણી આપવામાં આવી છે.
આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ ધ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ દરેક ખાણીપીણીના સ્થળો પર સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે અને સ્વચ્છતા અને હાઈજીન બાબતે બેદરકારી દાખવતા સ્થળો ખાતે સ્થળ ઉપર જ દંડનીય કાર્યવાહી અને ફરીની મુલાકાતમાં સ્વચ્છતા નહીં હોય તો ખાણીપીણીના સ્થળો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ તપાસ ઝુંબેશ મહાનગરપાલિકાના હેલ્થ ઓફીસર સુધીરભાઇ પંચાલ, સેનીટેશન સુપ્રીટેન્ડન્ટ વિભાકર રાવ તેમજ વિદ્યાનગરના સુપરવાઇઝર મુકેશભાઇ પટેલ, સચીનભાઇ પટેલ દ્વારા મહાનગરપાલિકાના કમિશનરની સૂચના મુજબ કરવામાં આવી હતી.