આણંદમાં હાલ 2100થી વધુ લોકો એચઆઈવી પોસિટિવ છે: સંસ્થા દ્વારા અપાય છે સારવાર
અર્બન ગુજરાત | આણંદ
આણંદ જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા સપોર્ટેડ આણંદ એનપી પ્લસ વિહાન કેર એન્ડ સપોર્ટ સેન્ટર નામની સંસ્થા કાર્યરત છે. જેના વિશે તમે ભાગ્યેજ જાણતા હશો. પરંતુ તમે એચઆઈવી(એઇડ્સ) વિશે તો જાણકાર જ હશો. આ વિહાન સંસ્થા એચઆઈવી પોસિટિવ લોકો માટે કામ કરે છે. તેમને પડતી મુશ્કેલીઓ, તેમની દવા, મુશ્કેલીઓનું નિવારણ તથા કાઉન્સેલિંગ કરી અને આવા એચઆઈવી પોસિટિવ લોકોને મદદ કરે છે.
આણંદ બોરસદ ચોકડી સ્થિત વિહાન કેર એન્ડ સપોર્ટ સેન્ટરના પ્રોજેક્ટ ડાઇરેક્ટર વિનશીતાં પટેલે જણાવ્યું હતું કે આ સંસ્થા 2007થી કાર્યરત છે. જેમાં તેઓ છેલ્લા બે વર્ષથી કામ કરે છે. તેઓની 7વર્ષની દીકરીનું કેન્સરથી મૃત્યુ થાયા બાદ વિનશીતાં બેહને પોતાનું જીવન આ સેવા કાર્યમાં અર્પણ કરવાનું વિચાર્યું અને સંસ્થા સાથે જોડાયા.
આણંદમાં હાલ 2100થી વધુ એચઆઈવી પોસિટિવ લોકો છે. જેમને સરકાર દ્વારા મળતી યોજના તેના લાભ આ સંસ્થા અપાવે છે. સાથે સાથે એચઆઈવી પોસિટિવ લોકોનું કાઉન્સેલિંગ પણ કરે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ હોય તેને જાણ થાય કે તે એચઆઈવી પોસિટિવ છે ત્યારે તેને તેમ લાગવા લાગે છે કે તેનું જીવન ખતમ થઈ ગયું. માનસિક રીતે ભાંગી પડતાં હોય છે. સમાજ શું વિચારશે લોકો તે વ્યક્તિને કઈ નજરથી જોશે જેવા વિચારોથી માનસિક તણાવ અનુભવતા હોય છે. ત્યારે તેમનું કાઉન્સેલિંગ કરવું પડે છે અને હિંમત આપવી પડતી હોય છે.
માતા એચઆઈવી પોસિટિવ હોય અને નિયમિત દવા ન લે તો બાળક પણ પોસિટિવ જન્મે છે
સૌ કોઈ જાણે છે કે એઇડ્સ વધારે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગ છે, તેના સિવાય એચઆઈવી પોસિટિવ વ્યક્તિનું રક્ત અન્ય વ્યક્તિને ચઢવાય તો પણ ફેલાય છે. ત્યારે કોઈ પ્રેગ્નેન્ટ મહિલા પોસિટિવ હોય તે નિયમિત દવા ન લે તો તેનું બાળક પણ એચઆઈવી પોસિટિવ જન્મે છે. ત્યારે આ સંસ્થા દ્વારા આવી મહિલાઓને જરૂરી એવી દવા આપવામાં આવે છે જેથી તેની અસર બાળક પર ન થાય. આ ઉપરાંત અન્ય શું તકેદારી રાખવી તે અંગે પણ માહિતગાર કરવામાં આવે છે.
દર મહિને આણંદ જિલ્લામાં 8થી9 એચઆઈવી પોસિટિવ કેસ મળે છે
પ્રોજેક્ટ ડાઇરેક્ટર દ્વારા જણાવાયું હતું કે આણંદ જિલ્લામાં દર મહિને 8થી9 નવા એચઆઈવીના કેસ મળી રહ્યા છે. ત્યારે લોકોમાં કેટલીક ખોટી માન્યતાઓ રહેલી છે. જેમ કે લોકો એવું માને છે કે સાથે બેસવા જમવાથી આ ફેલાય છે. પરંતુ આવી ગેરમાન્યતાને દૂર કરવી આજના સમયમાં ખૂબ જરૂરી છે.
એચઆઈવી પોસિટીવ લોકોને આજીવન દવા લેવાની હોય છે
સામન્ય રીતે કોઈને તાવ આવે ત્યારે ત્રણ ચાર દિવસ કે અથવડિયું દવા લેવાનું થાય તો નથી ગમતું. જ્યારે જે લોકો એચઆઈવી અસરગ્રસ્ત છે તેવા વ્યક્તિઓને જીવનભર દવા ખાવાની હોય છે. આ દવાઓ ખૂબ મોંઘી હોય છે ત્યારે સરકાર દ્વારા અમુક યોજના અને લાભ આપવામાં આવે છે.
યુવાનોમાં જાગૃતિ ફેલાય તે ખૂબ અગત્યનું
આજના આધુનિક યુગમાં યુવાધન વગર વિચારે આગળ વધી રહ્યું છે. મોડર્ન અને ફોરવર્ડ બનવાની ગેલછામાં ઘણા યુગલો-યુવાઓ શારીરિક સંબંધ બાંધતા હોય છે. ત્યારે તેમને પૂરતી માહિતી અને જાણકારી હોવી જરૂરી છે. જેથી યુવાઓમાં જાગૃતિ ફેલાય તે ખૂબ અગત્યનું છે.