આણંદ જિલ્લામાં ઉનાળુ ડાંગરનું વાવેતર વધ્યું, બાજરી-શાકભાજી ઘટ્યાં
આણંદ જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષ ઉનાળું ડાંગરનું વાવેતર વધ્યું છે. જ્યારે બાજરી, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર ઘટ્યું છે. બાજરીનું વાવેતર આ વર્ષ ઘટ્યું હોવા છતાં ટેકાના ભાવે બાજરીનું વેચાણ ઈચ્છતા ખેડૂતોની સંખ્યામાં ખાસો વધારો થવા પામ્યો છે.
આણંદ જિલ્લામાં નહેર આધારીત સિંચાઈની સુવિધા વધી છે અને એપ્રિલ માસ સુધી નહેરમાં પાણી આપવાનું ચાલુ રાખવામા આવતા ખેડૂતો ઉનાળુ ડાંગરની ખેતી તરફ આકર્ષાયા છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષ આણંદ જિલ્લામાં બમણીથી વધુ વિસ્તારમાં ઉનાળું ડાંગરનું વાવેતર કરાયું છે. આણંદ ખેતીવાડી વિભાગમાંથી મળતા આંકડા મુજબ વર્ષ ૨૦૨૪ માં આણંદ જિલ્લામાં ઉનાળું ડાંગરનું વાવેતર ૯૯૦૦ હેક્ટરમાં કરાયું હતું. જ્યારે વર્ષ ૨૦૨૫ માં ૨૧૫૯૦ હેક્ટરમાં ઉનાળું ડાંગરનું વાવેતર કરાયું છે. જે ગત વર્ષ કરતા બમણાથી વધું છે.
ગત વર્ષે આણંદ જિલ્લામાં ઉનાળુ બાજરીનું વાવેતર ૩૬૯૩૨ હેક્ટર જમીનમાં કરાયું હતું. જ્યારે આ વર્ષ ૩૧૫૧૩ હેક્ટર જમીનમાં બાજરીનું વાવેતર કરાયુું છે. ગત વર્ષે ઉનાળુ શાકભાજી વાવેતર ૧૨૨૮૭ હેક્ટરમાં કરાયું હતું. જયારે આ વર્ષ ૯૬૫૬ હેક્ટરમાં કરાયું છે. તેવી જ રીતે ગત વર્ષ ઉનાળાની ઋતુમાં જિલ્લાની ૧૩૬૬૧ હેક્ટર જમીનમાં ઘાસચારો કરાયો હતો. જ્યારે ચાલુ વર્ષ ૧૧૪૩૭ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરાયું છે. આમ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષ ઉનાળું ડાંગરનું વાવેતર વધ્યું છે. જ્યારે બાજરી, શાકભાજી, ઘાસચારાનું વાવેતર ઘટયું છે તે સિવાય આ વર્ષ મગ, મગફળી અને તલ નું વાવેતર પણ વધ્યું છે. આણંદ જિલ્લામાં ઉનાળુ ડાંગરનું વાવેતર વધવા પાછળનું મુખ્ય કારણ ચોમાસામાં બોરાણ જતી કાળી જમીનમાં ઉનાળું ડાંગર કરવાથી ઉત્પાદન વધુ મળે છે. સિંચાઈની સુવિધા પણ ઉપલબ્ધ થતાં ખેડૂતોએ ઉનાળુ ડાંગરનું ઉત્પાદન વધુ મળે છે. સરવાળે ઉનાળુ ડાંગરની ખેતી કરવી ખેડૂતોને પોષય છે. જો કે આ વર્ષ ઉનાળુ બાજરીનું વાવેતર ઘટ્યું હોવા છતાં સરકારે બાજરીના ટેકાના ભાવ જાહેર કરતા ટેકાના ભાવે ઉનાળુ બાજરીનું વેચાણ કરવા ખેડૂતો આગળ આવી રહ્યા છે.
ઉનાળુ બાજરીનું ટેકાના ભાવે વેચાણ કરવા રજિસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોની સંખ્યા તાલુકાવાર
આંકલાવ -૭, આણંદ- ૫, ઉમરેઠ- ૧૦૬, ખંભાત -૭૭૧, તારાપુર- ૧૪, પેટલાદ- ૧૬૪, બોરસદ -૧૩૪, સોજીત્રા- ૧૭, ૧૨૨૪
આણંદ જિલ્લામાં .ઉનાળુ ખેતી પાકોનું વાવેતર હેક્ટરમાં
પાક – વાવેતર વિસ્તાર- ગત વર્ષ – ચાલુ વર્ષ , ડાંગર- -૯૯૦૦- ૨૧૫૯૦, બાજરી ૩૬૯૩૨- ૩૧૫૧૩, મગ- ૪૦૧- ૫૫૮, મગફળી- ૮- ૧૦, તલ -૯ -૧૬, શાકભાજી- ૧૨૨૮૭- ૯૬૫૬ ઘાસચારો- ૧૩૬૬૧- ૧૧૪૩૭, કુલ – ૭૩૨૧૧- ૭૪૮૭૯