બોરસદના કાલુ ગામે મનરેગામાં મોટો કૌભાંડ: મૃતકોના જોબકાર્ડથી પેસા ઉપાડાયા
બોરસદ તાલુકાના કાલુ ગામમા મનરેગા યોજના અંતર્ગત મૃતકોના જોબકાર્ડ બનાવીને તેમના નામે સરકારી નાણાંની ઉચાપત કરનાર બે શખ્સો વિરૂધ્ધ મદદનીશ તાલુકા વિકાસ અધિકારીએ વીરસદ પોલીસ મથકમાં ફરિયાદ આપી હોવા છતાં પણ પોલીસ દ્વારા ગુનો દાખલ ના કરાતા આ અંગે ખંભાતના ડીવાયએસપીને રજુઆત કરતા તેમણે સમગ્ર બાબતે વીરસદ પોલીસ પાસે અહેવાલ મંગાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રમણભાઈ ફતાભાઈ પરમાર (રે. કાલુ)નું જોબકાર્ડ હતી જેમાં તેમના પત્ની સરોજબેનનો પણ સમાવેશ થતો હતો.રમણભાઈ તારીખ ૮-૫-૧૮ના રોજ ગુજરી ગયા હોવા છતાં પણ મેટ સંજયભાઈ વિનુભાઈ પરમાર અને જીઆરએસ પંકજભાઈ ગણપતભઆઈ સોલંકી દ્વારા તારી ૨૫-૫-૨૦થી તારીખ ૩૦-૫-૨૦ સુધીની છ દિવસની હાજરી બતાવીને ૧૨૬૫ રૂપિયા ચુકવી દેવામાં આવ્યા હતા. આજ રીતે હિંમતભાઈ ઉદાભાઈ પરમારના જોબકાર્ડમાં પુત્ર ચંદુભાઈ, પુત્રવધુ શારદાબેનના નામો હતા. હિંમતભાઈ તારીખ ૧૧-૪-૧૭ના રોજ અને ચંદુભાઈ ૨૧-૭-૨૦૧૭ના રોજ અવસાન પામ્યા હોવા છતાં પણ તારીખ ૨૫-૫-૨૦ થી તારીખ ૩૦-૫-૨૦ સુધીની છ દિવસની હાજરી બતાવીને ૨૫૭૧ રૂપિયા મેળવી લીઘા હતા. આ સમગ્ર બાબતે કાલુ ગામના રહેવાસી સંજયકુમાર બુધાભાઈ પરમારે બોરસદ તાલુકા પંચાયતમાં રજુઆત કરતા ઉક્ત નાણાંકીય ગેરરિતીઓ કરાઈ હોવાનું ઉજાગર થવા પામ્યું હતુ. જેથઈ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હેતલબેન અને. શર્માએ તારીખ ૧-૧-૨૫ના રોજ વીરસદ પોલીસને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં પણ આ બાબતે કોઈ ગુનો દાલ કરવામાં આવ્યો નહતો. જથી અરજદાર સંજયકુમાર પરમારે ખંભાતના ડીવાયએસપીને રજુઆત કરતા ડીવાયએસપીએ ગત તારીખ ૨૬-૩-૨૫ના રોજ વીરસદ પોલીસને સમગ્ર બાબતે તાત્કાલીક કાર્યવાહી કરીને તપાસ અહેવાલ મોકલી આપવાનો આદેશ કર્યો હતો. સમગ્ર કૌભાંડમાં મેટ અને જીઆરએસ સહિત અન્યો જવાબદાર હોવા છતાં પણ વીરસદ પોલીસ દ્વારા ગુનો દાખલ નહીં કરીને તેમને છાવરવામાં આવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
કાલુ ગામે અન્ય એક ગેરરિતીના કિસ્સામાં જોઈએ તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીને બોરસદના તાલુકા વિકાસ અધિકારીએ લેખિતમાં જણાવ્યું હતુ કે, ખંભાત તાલુકાના રાવપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હસમુખભાઈ શનાભાઈ પરમારે સને ૨૦૧૬-૧૭માં સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત શૌચાલય યોજનાની સહાયનો ૧૨ હજાર રૂપિયાનો લાભ મેળવ્યો હતો. હસમુખભાઈ મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવા છતાં તેમને સરકારી યોજનાનો લાભ કેવી રીતે મળી શખે ? તે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.આ બાબતે પણ લેખિત ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.