રાસના તળાવમાં માછલીઓના મૃત્યુનો ઘટસ્ફોટ: રોગચાળાની આશંકા વધતી
રાસ ગામના તળાવમાં આજે અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં પાણીમાં તરતી ગામલોકોને જોવા મળતા જીવદયા પ્રેમીઓ સાથે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ તળાવનું પાણી રાસ ગામની બાજુના કઠોલ ગામમાં પીવા માટે અપાતું હોઈ રોગચાળો ફેલાવાની દહેશત પણ વ્યાપી છે.
બોરસદ તાલુકાના રોસ ગામના એક જાગૃત નાગરિકના જણાવ્યા મુજબ ૫૨ વિઘામાં રાસ ગામનું તળાવ આવેલ છે. આ તળાવમાં બારેમાસ પાણી ભરાયેલું રહેતુ ંહોઈ પાણી પુરવઠા બોર્ડ દ્વારા આ તળાવનું પાણી અગાઉ રાસ અને બાજુના ગામ કઠોલમાં પીવામાં માટે અપાતું હતું. આ તળાવી અગાઉ ગ્રામ પંચાયત દ્વારા હરાજી કરી મત્સ્ય ઉછેર માટે અપાતું હતું ત્યારે ગ્રામજનોની દેખરેખ હેઠળ તળાવની સાફસફાઈ થતી હતી.
પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તળાવને મત્સ્ય ઉદ્યોગ, નિયામક, આણંદ દ્વારા હરાજી કરી મત્સ્ય ઉછેર માટે ભાડે આપવામાં આવે છે પરંતુ તળાવને ભાડે રાખનાર મત્સ્ય ખેડૂત દ્વારા તળાવને છેલ્લા ઘણાં વર્ષોથી સફાઈ કરવામાં આવી નથી. જેથી સમગ્ર તળાવમાં કુંભવેલ છવાઈ જવા પામી છે. જેમાંથી પાણીનો દૂષિત થાય છે પરંતુ હાલની ગરમીમાં તળાવમાં કુંભવેલના કારણે માછલીઓને ઓક્સિજન મળતો નથી. કુંભવેલના કારણે માછલીઓ પાણીની સપાટી પર આવી શકતી ન હોઈ છેલ્લા બે ત્રણ દિવસમાં અસંખ્ય માછલીઓ મરણ પામી છે અને તળાવના કિનારે તથા પાણીમાં તરતી જોવા મળે છે અને તળાવમાંથી અસહ્ય દુર્ગંધ આવે છે. જેનાથી તળાવની આજુબાજુ રહેતા પરિવારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તળાવની બાજુમાં જ સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલ હોઈ તળાવની દુર્ગંધ દર્દીઓ અને દવાખાનાના સ્ટાફને રોગચાળાના ભરડામાં લે તેવી દહેશત ઉભી થઈ છે.
ઈજારેદારને જાણ કરવામાં આવશે : મત્સ્ય નિયામકની કચેરી, આણંદ
મત્સ્ય નિયામકની કચેરી આણંદના સૂત્રોએ જણાવ્યું હતું કે આ અંગે ઈજારેદારને જાણ કરવામાં આવશે અને ઈજારેદાર ધ્યાન નહીં આપે તો તળાવનો ઈજારો રદ કરવામાં આવશે.
તળાવને ગ્રામજનો સાફ કરે તો માછલીઓ કાઢી જતા હોવાનો ઈજારેદાર આક્ષેપ કરે છે
રાસ ગામના અગ્રણી આગેવાન અને પૂર્વ સરપંચ કિરણભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે તળાવને ભાડે રાખનાર ઈજારેદાર દ્વારા તળાવને છેલ્લા ઘણાં વર્ષોથી સાફ કરાયું નથી અને ગ્રામજનો તળાવને સાફ કરે તો ઈજારેદારો મચ્છી કાઢી જતા હોવાનો આક્ષેપ કરી ગ્રામજનો ઉપર પોલીસ કેસ કરે છે. તેથી તળાવમાં કુંભવેલ છવાઈ ગઈ છે. પરિણામ સ્વરૂપ ઓક્સિજન નહીં મળવાથી અસંખ્ય માછલીઓ મરી ગઈ છે અને તળાવમાંથી અસહ્ય દુગધ આવી રહી છે.