ભુજ, કેશોદ, જામનગર અને હીરાસર સહિત 8 એરપોર્ટ તાત્કાલિક અસરથી ખૂલ્યા, 14 મેના બદલે 2 દિવસ વહેલા શરૂ કરાયા
ભારત-પાકિસ્તાન વચ્ચે ઊભી થયેલી યુદ્ધની સ્થિતિને પગલે 10 મેના રોજ રાજ્યનાં 8 સહિત દેશભરનાં 32 એરપોર્ટ્સ 14 મે સુધી બંધ કરવામાં આવ્યાં હતાં. જોકે હવે 10 મેના રોજ સાંજના 5 વાગ્યે બન્ને દેશે સીઝફાયરની જાહેરાત કરી હતી, એને પગલે હવે જનજીવન પૂર્વવત્ થવા લાગ્યું છે. હાલની આ સ્થિતિને ધ્યાનમાં લઈ ગુજરાતના બંધ કરાયેલા 8 એરપોર્ટ પણ શરૂ કરવામાં આવ્યા છે.
એરપોર્ટ ઓથોરિટીએ પરમિશન આપતાં પેસેન્જર ફ્લાઈટ માટે 14 મેને બદલે હવે 2 દિવસ પહેલા જ આ એરપોર્ટ શરૂ કરવામાં આવ્યા છે. ઇન્ડિગો અને એર ઇન્ડિયા દ્વારા બુકિંગ શરૂ કરાયા બાદ ફ્લાઇટ રાબેતા મુજબ શરૂ કરાશે.
ઉલ્લેખનીય છે કે, 10 મેના રોજ 14 મે સુધી ગુજરાતના ભુજ, કંડલા, કેશોદ, જામનગર, નલિયા, મુંદ્રા, હીરાસર (રાજકોટ) અને પોરબંદર એરપોર્ટ બંધ કરાયાં હતાં. યુદ્ધવિરામ બાદ સ્થિતિ સામાન્ય થતાં સરકારી કર્મચારીઓની રદ થયેલી રજાઓ મામલે પણ આજે મહત્ત્વનો નિર્ણય લેવાઈ શકે.
પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈકને કારણે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી તમામ ફ્લાઇટ્સ 7થી 14 મે સુધી રદ કરવા માટેની જાહેરાત કરાઈ હતી, જોકે યુદ્ધવિરામની જાહેરાત થતાં આજથી મુસાફર લક્ષી ફ્લાઇટ્સ શરૂ કરવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જ્યારે ઇન્ડિગો અને એર ઇન્ડિયા એરલાઇન્સ દ્વારા બુકિંગ શરૂ કરવામાં આવશે અને ત્યાર બાદ ફ્લાઇટ્સનો પ્રારંભ થશે.
3200થી વધુ મુસાફરો હેરાનગતિમાં મુકાયા હતા
રાજકોટ-અમદાવાદ હાઇવે પર હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ઊપડનારી તમામ 10 ફ્લાઇટ્સ 7થી 14 મે સુધી રદ કરવામાં આવી હતી, જેથી દૈનિક 3,200 હવાઈ મુસાફરને ટ્રેન, બસ અથવા તો કાર મારફત જવું પડતું હતું. ઇન્ડિગો અને એર ઇન્ડિયાની તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવતાં દરરોજ રાજકોટ એરપોર્ટ પર આવતાં 1500 તો અહીંથી હવાઈ ઉડાન ભરી જતાં 1700 મુસાફર મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, એટલે કે 3200થી વધુ મુસાફરો હેરાનગતિમાં મુકાયા હતા.
પેસેન્જર ફ્લાઇટ્સ શરૂ કરતાં મુસાફરોને રાહત
રાજકોટથી ઇન્ડિગોની મુંબઈની 3, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ અને ગોવાની 1-1 ફ્લાઇટ રદ કરાઈ હતી, જ્યારે એર ઇન્ડિયાની મુંબઈની 2 અને દિલ્હીની 1-1 ફ્લાઇટ્સ કેન્સલ જાહેર કરવામાં આવી હતી, જોકે રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા તાજેતરમાં જ પેસેન્જર ફ્લાઇટ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે, જેથી મુસાફરોને રાહત થઈ છે.
જામનગર એરપોર્ટની સેવાઓ શરૂ
યુદ્ધના તણાવ વચ્ચે જામનગર એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું, તે આજરોજ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આજથી જ એરપોર્ટ પ્રવાસીઓ માટે ખુલ્લું કરી દેવામાં આવ્યું છે. હવેથી અહીંથી રાબેતા મુજબ દરરોજ વિમાન ઉડાન ભરશે.