આણંદના ગણેશ ફાટક ઓવરબ્રિજનું કામ એક વર્ષ મોડી થવાના સંકેત
સરકારના ફાટક મુકત અભિયાન અંતર્ગત આણંદમાં બોરસદ ચોકડીએ રેલવે ઓવરબ્રિજ બનાવીને લોકાર્પણ કર્યાને મહિનાઓ થઇ ગયા છે. જયારે ગણેશ ચોકડી રેલવે ફાટકે બે માળના ઓવરબ્રિજને સરકારે ફાઇનલ મંજૂરી આપ્યા બાદ જૂન,ર૦ર૩માં કામગીરી એજન્સી દ્વારા શરુ કરવામાં આવી હતી.
ટેન્ડરની શરતો અનુસાર બે વર્ષમાં કામગીરી પૂરી કરવાનું ઠરાવાયું હતું. જે મુજબ હવે માંડ દોઢેક માસ બાકી રહ્યો હોવા સામે બ્રિજની માંડ ચાલીસ ટકા કામગીરી જ પૂરી થયાનું જોવા મળી રહ્યું છે. જેથી સમગ્ર બ્રિજ તૈયાર કરવામાં હજી એક વર્ષનો સમય લાગશે તે નકકી છે. જેથી સાંકડા ડાયવર્ઝન માર્ગ સહિતની સમસ્યાઓને હજી એક વર્ષ સુધી આણંદગરાઓએ વેઠવી પડશે.
હાલમાં અમૂલ ડેરી તરફેથી ફાટક સુધી બ્રિજના ફાઉન્ડેશનની કામગીરી ચાલી રહ્યાનું જોવા મળે છે. જેમાં ફાઉન્ડેશન પૂર્ણ કરીને પિયર તથા પિયર કેપની કામગીરી હાથ ધરાશે. ડેરી રોડથી ફાટક સુધીના પ૦૦ મીટરના એપ્રોચને સાંકળતી બાંધકામની પ્રકિયા પ્રગતિમાં જોવા મળી રહી છે. જયારે સામેની તરફે મંગળપુરા તરફ મંદિર સુધી એટલે કે બ્રિજના એપ્રોચ સુધીના અંદાજે પ૦૦ મીટરના સર્વિસ રોડની કામગીરી થઇ રહી છે. કલેકટર કચેરીથી ગણેશ ચોકડી તરફેના બ્રિજમાં ચઢતો એપ્રોચ પ૦૦ મીટર અને ઉતરતો અંદાજે ૧ હજાર મીટર છે. હાલ આ સ્થળે પણ રોડની વચ્ચે ફાઉન્ડેશન બનાવવા માટેની ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી બંને તરફે પતરાં લગાવીને ડાયવર્ઝન અપાયું છે. પરંતુ અહીં અને ગણેશ ફાટકેથી અમૂલ તરફેના ડાયવર્ઝન અપાયેલ માર્ગો હાલના ટ્રાફિકની દૃષ્ટિએ સાંકડા હોવાથી વર્કીગ અવરના સમયે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે. જો કે આ સ્થિતિનું કોઇ સરળ અને શકય તેટલી ઝડપે નિરાકરણ લાવવું અશકય છે. તેથી આગામી એક વર્ષ સુધી કદાચ આ સ્થિતિમાંથી જ રાહદારી, વાહનચાલકોને પસાર થવાની આદત પાડવી પડશે. બ્રિજની કામગીરીનું મોનેટરીંગ કરતા માર્ગ-મકાન વિભાગના એન્જિનીયર જીગરભાઇ પટેલે જણાવ્યું હતું કે, શરુઆતના તબકકામાં વૃક્ષો કાપવાની મંજૂરી સહિતની પ્રકિયામાં વન વિભાગ અને ત્યારબાદ પાલિકા દ્વારા વૃક્ષ છેદન સહિતની કામગીરીમાં વિલંબ થયો હતો. ત્યારબાદ બંને તરફે સર્વિસ રોડ પહેલા બનાવવાની કામગીરીમાં પાલિકાના ગટર, પાણી સહિતની લાઇનો, ગેસ લાઇન, વિવિધ કંપનીઓના ફોન લાઇનો સહિતની યુટીલીટી દૂર કરવામાં, યોગ્ય સ્થળે ખસેડવામાં લાંબો સમય વ્યતીત થયો હતો. ત્યારબાદ સર્વિસ રોડ પરની ગટરો-ઢાંકણા તૂટી જવાની સમસ્યા પણ ઉભી થવા પામી હતી. જો કે રાજયસ્તરેથી કામગીરીમાં ઝડપ સહિતની બાબતે એજન્સીને સૂચના આપવામાં આવી છે.
કલેકટર કચેરી રોડ પર નવી સ્ટ્રોમ વોટરલાઇનની કામગીરી
ગણેશ ફાટકેથી બનનાર ઓવરબ્રિજનો એક તરફનો ભાગ કલેકટર કચેરી સુધી તૈયાર કરવાની કામગીરી વર્ષ અગાઉથી ચાલી રહી છે. દરમયાન પાલિકા દ્વારા અગાઉ આ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરી કરવામાં ન આવ્યાનું ઉજાગર થયું હતું. જેથી નવી સ્ટ્રોમ વોટરલાઇન નાંખવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જેના કારણે રોડની વચ્ચે બ્રિજની કામગીરીના કારણે પતરાં લગાવીને ડાયવર્ઝન અપાયું છે. જેથી વાહનોની અવરજવર વચ્ચે સ્ટ્રોમવોટરની પણ કામગીરી થઇ રહ્યાની વિકટ સ્થિતિ ઉદ્દભવી છે.