પોલીસ-આરટીઓ વિભાગના કેમેરા ઘણા સ્થળે બંધ કે ખોટી દિશામાં
જાહેર માર્ગો પરથી અવરજવર કરતા વાહનો દ્વારા ટ્રાફિક સહિતના નિયમોનો ભંગ થતો રોકવા, શંકાસ્પદ વાહનની અવરજવર ચકાસવા માટે પોલીસ-આરટીઓ વિભાગ દ્વારા સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે. પરંતુ મોટાભાગના સ્થળોએ આ કેમેરા ગોઠવ્યા બાદ તે યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે કેમ, કોઇ ક્ષતિ થવા સહિત કેમેરાની દિશા ફરી ગઇ હોય તો પુન: યોગ્ય રીતે ગોઠવવા મામલે ઝડપી કામગીરી ન થઇ રહ્યાનું પણ જોવા મળે છે.
બાકરોલ ગેટથી આણંદ તરફના માર્ગ પર તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પરંતુ આ કેમેરા માર્ગ પરથી અવરજવર કરતા વાહનો પર દૃષ્ટિ રાખવાના બદલે રસ્તાની સામેની તરફે આવેલ કોમ્પલેક્ષના પાર્કિગ તરફે જ સતત ધ્યાન આપી રહ્યાની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસથી કેમેરા મૂળ સ્થાને ફરી ગયા હોવા છતાંયે તે અંગે કદાચ જવાબદાર વિભાગમાં જાણ થઇ નથી! જો કે આ રસ્તેથી પસાર થતા શહેરીજનો કેમેરાની વાંકી નજર જોઇને મનોમન હાસ્ય ફરકાવી રહ્યા છે.