પેટલાદના દંતેલીમાં લુંટારૂઓ ત્રાટક્યાં: ખળીના માલિકને બંધક બનાવી રોકડ તેમજ મોબાઈલ મળીને કુલ રૂપિયા 4.80 લાખનો મુદ્દામાલ લૂંટી લીધો
પેટલાદ તાલુકના દંતેલી ગામની સીમમાં આવેલ તમાકુની ખળીમાં મોડી રાત્રીના સમયે ચાર લુંટારૂઓ ત્રાટક્યાં હતાં અને ખળીના માલિકના લમણે હથિયાર મુકી, બંધક બનાવ્યો હતો. જે ઓફિસના ટેબલના ડ્રોવરમાંથી રોકડા રૂપિયા 4 લાખ તેમજ એક મોબાઈલ મળી કુલ રૂપિયા 4.80 લાખના મુદ્દામાલની લૂંટ કરીને ભાગી ગયાં હતાં. આ અંગે પેટલાદ રૂરલ પોલીસે ચાર અજાણ્યાં લુંટારૂઓ વિરૂદ્ધ ગુનો નોંધી, તપાસ હાથ ધરી છે.
પેટલાદ તાલુકાના દંતેલી ગામમાં આવેલ સુથાર ખડકીમાં રહેતાં 53 વર્ષીય રમેશભાઇ ડાહ્યાભાઈ પટેલ તમાકુનો વેપાર કરી પોતાનું ગુજરાન ચલાવે છે. દંતેલી-વડદલા રોડ પર સ્મશાનવાળી નળી નજીક આ રમેશભાઈની તમાકુની ખળી આવેલી છે. આ રમેશભાઈ ગતરોજ રાત્રીના સમયે પોતાની ખળીમાં આવેલ ઓફીસમાં જ સૂઈ ગયાં હતાં. મોડી રાત્રે તેઓ ઘસઘસાટ ઉંઘમાં હતાં. તે વખતે ચાર ઈસમો લોખંડની જાળીનો દરવાજો ખોલી ઓફીસની અંદર ઘુસ્યાં હતાં. દરમિયાન લોખંડની જાળી ખુલવાનો અવાજ આવતાં, રમેશભાઈ એકાએક ઉંઘમાંથી જાગી ગયાં હતાં. જેથી આ ચારેય ઈસમોએ આ રમેશભાઈના હાથ-પગ પકડી લીધાં હતાં અને છાતી ઉપર ડીસમીસ મુક્યું હતું અને મારી નાંખવાની ધમકીઓ આપી, આ રમેશભાઈના બન્ને હાથ અને પગ વાયર વડે બાંધી દિધાં હતાં.
જે બાદ એક ઈસમે રમેશભાઈના મારા ગળાની પાછળના ભાગે કોઈ હથિયાર મુક્યું હતું અને “બહાર હમ તીન લોગો કો ખત્મ કર કે આયે હે, અગર તુ ચીલ્લાયેગા તો તુજે ભી ખત્મ કર દેગે” તેમ કહીને મોઢામાં ડુચો મારી દઈ રૂપિયા ક્યાં મુક્યાં છે તેમ પુછ્યું હતું. જે તે વખતે રમેશભાઈએ ઓફિસમાં પાછળની તરફ ઇશારો કરતાં, બે ઈસમો તે બાજુ ગયાં હતાં. પરંતુ ત્યાં કંઈ ન મળતાં બંને પરત આવ્યાં હતાં અને ધમકીઓ આપી હતી. જેથી ડરી ગયેલા રમેશભાઈએ ઓફિસમાં મુકેલા ટેબલ તરફ ઈશારો કર્યો હતો. જેથી આ ઈસમોએ આ ટેબલના ડ્રોવરો ફેંદી તેમાંથી 4,00,000 રૂપિયા કાઢી લીધાં હતાં. તેમજ ટેબલ ઉપર પડેલો રમેશભાઈનો મોબાઈલ પણ લઈ લીધો હતો. જે બાદ આ રમેશભાઈને રૂમમાં પુરી દીધાં હતાં અને ધમકી આપી દરવાજો બહારથી બંધ કરી ચારેય જણાં ભાગી ગયાં હતાં.
જે બાદ રમેશભાઈ મહામહેનતે પોતાના બાંધેલા હાથ-પગ છોડ્યાં હતાં અને લાતો મારી દરવાજો તોડી બહાર નીકળી, મજૂરોને ઉઠાડ્યાં હતાં અને સઘળી હકીકત જણાવી હતી. બીજી બાજુ આ ઘટનાને પગલે રમેશભાઈનું બી.પી લો થઈ ગયું હતું. જેથી નજીકની હોસ્પિટલમાં સારવાર કરાવ્યાં બાદ આ રમેશભાઇ ડાહ્યાભાઈ પટેલે પેટલાદ રૂરલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ચાર અજાણ્યાં લુંટારૂઓ વિરૂદ્ધ બી.એન.એસ એક્ટની કલમ 309(3), 309(4), 127(1), 127(7), 127(8), 329(3), 329(4), 61(1)(a), 61(2)(a) મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.