ધર્મજમાં ૩૨ હજારથી વધુ ક્લોરિન ટેબલેટનું વિતરણ: હાલ ૦૭ દર્દીઓ સારવાર માટે દાખલ
પેટલાદ તાલુકાના ધર્મજ ગામ ખાતે કમળાના કેસમાં જિલ્લા અઠવાડિયાથી સતત ઘટાડો નોંધાય રહ્યો છે, ત્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ ધર્મજ ગામ ખાતે આરોગ્ય વિભાગની ૧૯ જેટલી ટીમો હજી પણ કામ કરી રહી છે અને આ ટીમો ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શોધવામાં આવેલ પાણીના ૩૮ જેટલા લીકેજીસની દૂરસ્તીની કામગીરી ગ્રામ પંચાયત ધર્મજ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ધર્મજ ગામ ખાતે આજે વધુ ૦૨ નવા કેસ મળી આવ્યા છે, અત્યાર સુધીમાં કુલ ૧૨૬ જેટલા કમળાના કેસ નોંધાયા છે. તદુપરાંત હાલ ૦૭ દર્દીઓ સારવાર હેઠળ છે. પીવાના પાણીના ક્લોરીનેશનના ૬૦૨ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે, તે પૈકી ૪૫૫ પોઝિટિવ અને ૧૪૭ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. પીવાના પાણીના બે સેમ્પલના રિપોર્ટ આવ્યા છે, જે પીવા લાયક છે તેમ જણાવાયું છે.
ધર્મજ ગામ ખાતે આરોગ્ય તંત્ર દ્વારા ૩૨ હજાર જેટલી ક્લોરિન ટેબલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. ગામના કોઈપણ વ્યક્તિને કમળાના લક્ષણ દેખાય તો જાતે દવા ન લેતા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.