આવ્યો ફાગણિયો .. રૂડો ફાગણિયો
ખાખરો અથવા કેસૂડો કે પલાશ એક જાતનું સુંદર ફૂલો ધરાવતું વૃક્ષ છે. સંસ્કૃતમાં તેને બીજસનેહ, બ્રાહ્મોપાદપ, કરક, કૃમિધ્ન, લક્ષતરુ, પલાશ, રક્તપુષ્પક અને ત્રિપત્રક એવા નામોથી ઓળખવામાં આવે છે. જ્યારે તેનું અંગ્રેજી નામ બ્યુટિયા ફ્રોન્ડોઝા છે.
ચંદ્રનું આ પવિત્ર વૃક્ષ છે. કહેવાય છે કે સોમરસ પીધેલા ગરુડનાં પીંછાંમાંથી તેની ઉત્પત્તિ થઈ છે. સોમરસનો તેમાં અંશ હોવાથી કેટલીક ધાર્મિક ક્રિયામાં તેનો ઉપયોગ થાય છે. તેનાં સૂકાં લાકડાં યજ્ઞમાં હોમાય છે. કેટલાંક પવિત્ર વાસણ અને બ્રહ્મચારીનો દંડ તેના લાકડામાંથી બનાવાય છે. જનોઈ આપતી વખતે કેશ કાપ્યા પછી બ્રહ્મચારીને પલાશના પતરાળામાં જમવું પડે છે. તે પતરાળું ત્રણ પાનના સમૂહનું બનેલું હોય છે, જેમાં મધ્યનું પાંદડું વિષ્ણુ, ડાબું બ્રહ્મા અને જમણું શિવ મનાય છે.