કુલ 17 હજાર લિટર પાણીનો મારો કરાયા બાદ આગ કાબુમાં લેવાઈ
આણંદની સામરખા ચોકડી પાસે ગુરુવારે બપોરે 1 વાગ્યાના અરસામાં ગેરેજમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ગેરેજમાં વેલ્ડીંગના કામ દરમિયાન અચાનક આગ લાગતા 2 લક્ઝરી બસ, 1 કાર, 1 બાઇક બળીને ખાખ થાય હતા. જ્યારે ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને 12 હજાર લિટર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદમાં સામરખા ચોકડી પાસે ગેરેજમાં વેલ્ડીંગ કામ દરમિયાન અચાનક આગ લાગતા અફડા તફડી મચી જવા પામી હતી. આગની ઘટનામાં લક્ઝરી બસને વેલ્ડીંગ કરતા સમયે સ્પાર્ક થતા આગ ભભુકી ઉઠી હતી. આ બુજાવવા અનેક પ્રાયાસો કરવા છતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આગ પર કાબૂ મેળવતા ફાયર ફાઇટર
ગેરેજમાં બનાવેલા ઘરના ફર્નિચર હોવાથી આગ પ્રસરી હતી અને 2 લક્ઝરી બસ, 1 કાર, 1 બાઇક આગમાં બળીને ખાખ થઇ ગઇ છે. આગ લાગવાની ઘટનાને લઇને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર ઘટનાને લઇ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ગણતરીની મિનીટોમાં આણંદ ફાયર બ્રિગેડે આગ બુજાવવા કામે લાગી હતી. ફાયર બ્રિગેડે ગેરેજમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે મળતી માહિતી અનુસાર ગેરેજ માલીકને ભારે નુકસાન થયું છે.