ડાકોરના પ્રસિદ્ધ રણછોડરાય મંદિરમાં આમલકી એકાદશીના પાવન દિવસે હોળી ઉત્સવની ભવ્ય શરૂઆત થઈ છે. સોમવારે સાંજે ઉત્થાપન આરતી બાદ શ્રીજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
શ્રીજીની શાહી સવારી ગજરાજ પર બિરાજમાન થઈ હતી. શોભાયાત્રા મંદિરની પરિક્રમા કર્યા બાદ ગોપાલલાલજી મહારાજની પાલખીમાં પધરામણી કરવામાં આવી હતી. શોભાયાત્રા ગૌશાળા અને લાલબાગ થઈને શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરે પહોંચી હતી.
આ પાંચ દિવસીય હોળી મેળાની શરૂઆતમાં હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. અડધા કિલોમીટર સુધીના રૂટમાં બે કલાક ચાલેલી આ શોભાયાત્રામાં ભાવિકોએ અબીલ-ગુલાલની છોળો વચ્ચે ભગવાન સાથે હોળી રમ્યા હોવાનો દિવ્ય અનુભવ કર્યો હતો.ફાગણ સુદ અગિયારસે આવતી આમલકી એકાદશી વર્ષની સૌથી મોટી એકાદશી ગણાય છે. આ દિવસથી ફાગોત્સવની ઉજવણીનો પ્રારંભ થાય છે. કાળિયા ઠાકોર લાલજી સ્વરૂપમાં ભક્તો સાથે હોળી-ધૂળેટી રમતા હોય તેવો અનોખો ભાવ શોભાયાત્રામાં જોવા મળ્યો હતો. મંદિરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું છે. રાત્રે શોભાયાત્રા નિજમંદિર પરત ફરશે.