ગણેશ ઓવરબ્રિજના ડાયવર્ઝનથી સર્વિસ રોડ બિસ્માર, તંત્ર નિષ્ક્રિય
આણંદ ગણેશ ઓવરબ્રિજ કામગીરીના પગલે તંત્રએ ડાયવર્ઝન આપીને સર્વિસ રોડ પર મરામતની કામગીરી હાથ નહીં ધરાતાં બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયો છે. ત્યારે સમગ્ર મામલે કલેક્ટરને ફરિયાદ કરવામાં આવતાં કલેક્ટરે સર્વિસ રોડની સર્ફેસિંગ કામગીરી હાથ ધરવા આદેશ કર્યો હોવા છતાં જિલ્લા સ્ટેટ પી ડબલ્યુ ડી વિભાગ દ્વારા નવીનીકરણની કામગીરી હાથ નહીં ધરાતાં વાહનચાલકો અક્સ્માતનો ભોગ બની રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ ખંભાત રેલ્વે લાઇન પર ગણેશ ચોકડી ફાટકની પર ઓવરબ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી છે.જે તે સમયે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ સર્વિસ રોડ બનાવતી વખતે યોગ્ય રીતે પુરાણ કરીને ગટરના ઢાંકણ વ્યવસ્થિતી રીતે બેસાડવામાં આવ્યાં નથી. જેના કારણે વારંવા ઢાંકણ બેસી જતાં વાહનચાલકો પટકાવવાના બનાવો વધી ગયા છે. તેમજ રોડ પર માત્ર કપચી કામ કરાયું હતું. જેના કારણે ખાડા પડી જતાં બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયો છે. જે બાબતે વાહનચાલકો અને સ્થાનિક રહીશો દ્વારા જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી હતી. જો કે કલેક્ટર માર્ગ નું સમારકામ કરીને સર્ફેસિંગ કામ કરવાનો આદેશ કર્યો હતો. તેમ છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા કોઇ જ કામગીરી હાથ ધરવામાં આવતી નથી. જેને લઇને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.