ઉમરેઠ હાઇવે પર સમારકામ વચ્ચે ડાયવર્ઝનની અછત, ટ્રાફિકજામ બન્યું રોજિંદું સંકટ
છેલ્લા ઘણા સમયથી ઉમરેઠ હાઇવે રોડનું સમારકામ ચાલી રહયું છે. પરંતુ આણંદ કે અમદાવાદ તરફથી આવતા વાહનો માટે તંત્ર દ્વારા ડાયવર્ઝન અપાયું નથી. જેના કારણે ઉમરેઠના દામોદર વડથી બસ સ્ટેન્ડ સુધી નાના, મોટા વાહનોની કતારો જામવાથી ટ્રાફિક જામની વરવી સમસ્યા સર્જાય છે. તેમાંયે ચૈત્રી પૂનમના રોજ ડાકોર દર્શનાર્થ જતા અનેકો યાત્રાળુઓને ટ્રાફિક જામના કારણે બે કલાક સુધી વાહનોમાં બેસી રહ્ેવાની ફરજ પડી હતી. કાળઝાળ ગરમીમાં આ સ્થિતિના કારણે ખાસ કરીને વડીલો, મહિલાઓને શારિરીક પરેશાનીભરી સ્થિતિ ભોગવવી પડી હતી.
ઉમરેઠ હાઇવેના સમારકામ સમયે જ યોગ્ય ડાયવર્ઝન આપવાની સ્થાનિકોએ રજૂઆત કરી હતી. છતાંયે પોલીસ કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ મામલે કોઇ નિરાકરણ ન લાવતા રોજેરોજ ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ રહી છે. જેમાં કયારેક ફસાયેલા નાના વાહનોને સ્થાનિકો દ્વારા ટ્રાફિક કંટ્રોલ કરીને સલામત રીતે બહાર લઇ જવામાં આવી રહ્યાનું જોવા મળે છે.
ટ્રાફિકની સ્થિતિના કારણે વિદ્યાર્થીઓને શાળાએ જવામાં, પરત ઘરે પહોંચવામાં અને નોકરીયાતોને નોકરીના સ્થળે પહોંચવામાં વિલંબ થઇ રહ્યો છે. ચૈત્રી પૂનમની ભીડ અને ટ્રાફિકની વધતી રજૂઆતોના પગલે લીંગડા નજીક ડાયવર્ઝન અપાયું હતું.
ઉમરેઠની ઓડ ચોકડીએ ટ્રાન્સપોર્ટ કંપનીના પૂરપાટ ડમ્પરે ૧૧ કેવીના વીજ પોલ સાથે અકસ્માત સર્જયો હતો. જેથી મોટો ધડાકો થવા સાથે વીજ પોલ જમીનદોસ્ત થઇ ગયો હતો. ડમ્પરમાં ભરાયેલ વીજ કેબલ પણ ખેંચાઇ જઇને તૂટી ગયા હતા. આ ઘટનાના કારણે ઉમરેઠ શહેરનો મોટાભાગનો વિસ્તાર અને આસપાસના સીમ વિસ્તારો, ગામોમાં અંધારપટ છવાયો હતો. ઘટનાની જાણ થતા વીજ કંપનીની ટીમે સ્થળ પર પહોંચીને વીજ પુરવઠો કાર્યરત કરવા પ્રયાસ હાથ ધર્યા હતા. સ્થાનિકોના મતે ઓડ ચોકડીના નવીનીકરણ સમયે માર્ગ મકાન વિભાગે સર્વ કરીને રોડની નજીકના વીજ પોલ ખસેડવા વીજ કંપનીને સૂચન કર્યુ હતું. છતાંયે કામગીરી ન કરતા અકસ્માતમાં વીજ પોલ તૂટી પડયો હતો.