ઉમરેઠના સરપંચ અને તલાટીએ ભાઈ સાથે મિલ્લીભગત કરી સરકારી નાણાંની ઉચાપત
આણંદ : ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગ્રામ પંચાયતના સરપંચ અને તત્કાલીન તલાટી કમ મંત્રી તથા સરપંચના ભાઈએ મિલીભગત કરી રૂપિયા ૩૫.૬૭ લાખ ઉપરાંતના સરકારી નાણાની ઉચાપત કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
આ બનાવ અંગે ઉમરેઠ તાલુકા પંચાયતના નાયબ ચીટનીસે ઉમરેઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તત્કાલીન તલાટી કમ મંત્રી, સરપંચ અને તેના ભાઈ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ઉમરેઠ તાલુકાના સુંદલ પુરા ગ્રામ પંચાયતમાં વિનય કુમાર રમેશભાઈ ઝાલા સરપંચ તરીકે ફરજ બજાવે છે. એપ્રિલ-૨૦૨૨ના સમયગાળામાં મહેન્દ્રસિંહ રણછોડભાઈ રાઠોડ (એમ.આર. રાઠોડ) સુંદલપુરા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા.
તા. ૧લી એપ્રિલ ૨૦૨૨થી ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૨ દરમિયાન સરપંચ વિનયકુમાર તથા તલાટી કમ મંત્રી મહેન્દ્રસિંહ રાઠોડે સરપંચના ભાઈ જયરાજભાઇ ઝાલા સાથે મળી ગુનાહિત કાવતરું રચી એકબીજાના મેળાપીપણામાં પંચાયતના વિવિધ કામોના વાઉચરમાં ગેરરીતિ આચરી રૂપિયા ૧,૬૭,૧૫૦ની ઉચાપત કરી હતી.
સાથે સાથે તાલુકા પંચાયત ઉમરેઠ તરફથી ફાળવવામાં આવેલી રૂા. ૬૩.૧૮ લાખ ઉપરાંતની ગ્રાન્ટમાંથી વર્ક ઓર્ડર આપ્યા તારીખ પહેલાના વાઉચર તથા ચેક નંબરથી રૂપિયા ૩૪ લાખ જેટલી માતબર રકમ સરપંચના સગા ભાઈ જયરાજ રમેશભાઈ ઝાલાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી. આમ ત્રણેય શખ્સોએ એકબીજાના મેળા પીપણાથી રૂપિયા ૩૫,૬૭,૧૫૦ની સરકારી નાણાંની ઉચાપત કરી હતી. જે અંગે ઉમરેઠ તાલુકા પંચાયતના નાયબ ચીટનીશ સતીશકુમાર પુરુષોત્તમદાસ શ્રીમાળીના ધ્યાને આવતા તેઓએ આ અંગે ઉમરેઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સરપંચ વિનય કુમાર રમેશભાઈ ઝાલા, તત્કાલીન તલાટી કમ મંત્રી મહેન્દ્રસિંહ રણછોડભાઈ રાઠોડ અને જયરાજભાઈ રમેશભાઈ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.