આણંદ જિલ્લામાં સિંચાઇ સુવિધાઓના કારણે ડાંગરના વાવેતરમાં 60% વધારો
આણંદ જિલ્લામાં ઉનાળુ ડાંગરના વાવેતરમાં સતત વધારો થઇ રહ્યો છે. તેની પાછળનું મુખ્ય કારણ જિલ્લામાં નહેરો અને બોરકુવા આધારિત સિંચાઇની સારી વ્યવસ્થા હોવાથી તેમજ ડાંગરના ભાવમાં વધતાં હોવાથી ગતવર્ષ કરતાં બમણું એટલે કે 60 ટકાનો વધારો થયો છે. જ્યારે બાજરી, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર ઘટ્યું છે. બાજરીનું વાવેતર આ વર્ષ ઘટ્યું હોવા છતાં ટેકાના ભાવે બાજરીનું વેચાણ ઈચ્છતા ખેડૂતોની સંખ્યામાં વધારો થયો છે.
આણંદ જિલ્લામાં નહેર આધારીત સિંચાઈની સુવિધા વધી છે અને એપ્રિલ માસ સુધી નહેરમાં પાણી આપવાનું ચાલુ રાખવામા આવતા ખેડૂતો ઉનાળુ ડાંગરની ખેતી તરફ આકર્ષાયા છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષ આણંદ જિલ્લામાં બમણીથી વધુ વિસ્તારમાં ઉનાળું ડાંગરનું વાવેતર કરાયું છે. આણંદ ખેતીવાડી વિભાગમાંથી મળતા આંકડા મુજબ વર્ષ 2024 માં આણંદ જિલ્લામાં ઉનાળું ડાંગરનું વાવેતર 9900 હેક્ટરમાં કરાયું હતું. જ્યારે ચાલુવર્ષે 21590 હેક્ટરમાં ઉનાળું ડાંગરનું વાવેતર કરાયું છે. જે ગત વર્ષ કરતા બમણાથી વધું છે.
ગત વર્ષે આણંદ જિલ્લામાં ઉનાળુ બાજરીનું વાવેતર36932 હેક્ટર જમીનમાં કરાયું હતું. જ્યારે આ વર્ષ 31513 હેક્ટર જમીનમાં બાજરીનું વાવેતર કરાયુું છે. ગત વર્ષે ઉનાળુ શાકભાજી વાવેતર 12287 હેક્ટરમાં કરાયું હતું. જયારે આ વર્ષ 9656 હેક્ટરમાં કરાયું છે. તેવી જ રીતે ગત વર્ષ ઉનાળાની ઋતુમાં જિલ્લાની 13661 હેક્ટર જમીનમાં ઘાસચારો કરાયો હતો. જ્યારે ચાલુ વર્ષ 11437 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરાયું છે.
આમ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષ ઉનાળું ડાંગરનું વાવેતર વધ્યું છે. જ્યારે બાજરી, શાકભાજી, ઘાસચારાનું વાવેતર ઘટયું છે તે સિવાય આ વર્ષ મગ, મગફળી અને તલ નું વાવેતર પણ વધ્યું છે. આણંદ જિલ્લામાં ઉનાળુ ડાંગરનું વાવેતર વધવા પાછળનું મુખ્ય કારણ ચોમાસામાં બોરાણ જતી કાળી જમીનમાં ઉનાળું ડાંગર કરવાથી ઉત્પાદન વધુ મળે છે. સિંચાઈની સુવિધા પણ ઉપલબ્ધ થતાં ખેડૂતોએ ઉનાળુ ડાંગરનું ઉત્પાદન વધુ મળે છે.