ઠગોના લાલચમાં આવી ગયેલા LIC મેનેજર સાથે લાખોની ઠગાઈ
સાયબર ક્રાઇમની વધતી ઘટનાઓ સામે જનજાગૃતિ માટે સરકાર દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા પણ સાયબર ક્રાઇમ અને ઠગોથી બચવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ બીજી તરફ યેનકેન પ્રકારે સાયબર ઠગો પોતાની માયાજાળમાં લોકોને સપડાવીને છેતરી રહ્યાના કિસ્સા અટકયા નથી. ખંભાતમાં એલઆઇસીના મેનેજરને શેર બજારમાં સારો પ્રોફીટ મળશેની લાલચ બતાવીને તબકકાવાર રૂ. ૧ર.૭પ લાખ ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ, આણંદમાં ફરિયાદ નોંધાતા સાયબર ઠગો સામેની તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતોમાં ખંભાત એલઆઇસી શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા આશિષ જીતેન્દ્રપ્રતાપ સિંગ ખંભાતમાં રહે છે.ગત પ ઓકટો.ર૦ર૪ના રોજ તેઓને ફેસબુકમાં લીંક આવી હતી. જે ઓપન કરતા ડ્રીમવોલ્ટ ગૃપનો વોટસઅપ કોલ આવ્યો હતો. જેમાં ઝેરોથા શેર માર્કેટમાં પૈસાનું રોકાણ કરવાની સારો નફો મળશેની વાત કરી હતી. ત્યારબાદ વોટસઅપ પર ઝેરોથા એપની લીંક મોકલી હતી.
આશિષ સિંગે આ લીંક ઓપન કરીને ડાઉનલોડ કરી હતી. પાંચેક દિવસ બાદ તેઓને ઝેરોથા એપમાં રોકાણ કરવાની ઇચ્છા થતા તા. ૧૦ ઓકટો.ર૦ર૪ના રોજ રૂ. ૧ લાખ, ૧૧ ઓકટો.ના રોજ રૂ. ૩ લાખ અને ૧૪ ઓકટો.ના રોજ રૂ. ૩ લાખ અને ત્યારબાદ મળીને કુલ ૧ર.૭પ લાખ ટ્રાન્સફર કર્યા હતા. થોડા દિવસો બાદ સોશિયલ મીડિયામાં સાયબર અવેરનેશનો વિડીયો જોતા આશિષ સિગને પોતે શેર બજારમાં રોકેલા નાણાં અંગે ફાળ પડી હતી. જેમાં તેઓએ તપાસ કરતા તેમની સાથે છેતરપિંડી થયાનું જાણવા મળ્યું હતું. જેથી તેઓએ ૩૦ ઓકટો.ર૦ર૪ના રોજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પરથી ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી. જેમાં અજાણ્યા ઇસમોએ ડ્રીમવોલ્ટ ગૃપ બનાવીને ઝેરોથાના ખોટા નામે એપ ડાઉનલોડ કરાવીને રૂ. ૧ર.૭પ લાખનું રોકાણ કરાવ્યા બાદ નાણાં પરત ન આપીને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી હતી.