ઓનલાઈન ગેમીંગના નશામાં ખંભાતના યુવાનનો અંત: દેવું વધી જતાં કુંડમાં ઝંપલાવી આપઘાત
ખંભાત રહેતા એક યુવાને ઓનલાઈન ગેમીંગમાં દેવું થઈ જતાં કુંડમાં પડીને આપઘાત કરી લેતા આ અંગે ખંભાત રૂરલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
ખંભાત શહેરના ઝંડા ચોક, દેવની પોળ ખાતે હિરેનભાઈ અશોકભાઈ મહેતા (ઉ. વ. ૪૪) પોતાની પત્ની અને પુત્ર સહિત પરિવાર સાથે રહેતો હતો. અને પિતા સાથે મળીને ખંભાત માર્કેટ યાર્ડમાં પ્લાસ્ટીકની ડીસ્પોઝલ વસ્તુઓનો હોલસેલ વેપાર કરતો હતો. ગત ૨૪મી તારીખના રોજ તે પોતાનું બાઈક લઈને ઘરેથી નીકળી ગયો હતો અને બાદમાં પોતાની પત્નીને વીડીયો કોલ કરીને મારે દેવુ થઈ ગયેલ છે, હુ કાણીસા કુંડમાં પડીને આત્મહત્યા કરુ છુ તેમ જણાવ્યું હતુ અને તે અંગેનો વીડિયો પણ બનાવીને વાયરલ કર્યો હતો. જેથી ગભરાઈ ગયેલા પરિવારના સભ્યોએ તુરંત જ ખંભાત રૂરલ પોલીસને જાણ કરતાં પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને કાણીસા ગામના કામનાથ મહાદેવ મંદિરના કુંડ પાસે જઈને તપાસ કરતા તેના ચંપ્પલ અને બાઈક કુંડની બહાર મળી આવ્યા હતા. જેથી તેણે કુંડમાં ઝંપલાવ્યું હોવાની શંકાને આધારે તરવૈયાઓની મદદથી તપાસ હાથ ઘરી હતી. પરંતુ કોઈ પત્તો મળ્યો નહોતો.
દરમ્યાન આજે બપોરના સુમારે ફરીથી ફાયરબ્રીગેડની મદદથી તપાસ હાથ ઘરતાં તેની લાશ મળી આવી હતી. પોલીસે લાશને બહાર કાઢીને પીએમ માટે સરકારી હોસ્પીટલ ખાતે મોકલી આપી હતી અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી હતી. પીએસઆઈ વાઘેલાના જણાવ્યા અનુસાર આપઘાત કરનાર હિરેન મહેતા અગાઉ પણ તારીખ ૮મીના રોજ ગુમ થઈ ગયો હતો અને પરત આવી ગયો હતો. જેથી આ વખતે પણ તે પરત આવી જશે તેમ માનતા હતા પરંતુ તેણે આપઘાત કરી લેતાં પરિવારજનો શોકમાં ડુબી જવા પામ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર હિરેન મહેતાને ઓનલાઈન ગેમીંગમાં દેવું થઈ જતાં આપઘાત કરી લીઘો હતો. કેટલું અને કઈ ગમેમાં દેવુ થઈ જવા પામ્યું હતુ. તે અંગે તપાસ હાથ ઘરવામાં આવી છે.