સીસી રોડનું કામ અધૂરું: બાકરોલ અને એલીકોન વિસ્તારના રહિશો હેરાન
આણંદ મનપા વિદ્યાનગર બાકરોલ સમાવેશ થયા બાદ કેટલાંક માર્ગો પહોળા કરવાની સાથે નવીનીકરણ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે વિદ્યાનગર એલીકોન ગાર્ડનથી બાકરોલ ગેટ સુધીના અડધા કિમીના માર્ગ તંત્ર દ્વારા ડાબી બાજુ માર્ગ આરસીસી રોડ બનાવ્યો છે. જ્યારે જમણી બાજુનું કામ પડતું મુકયુ છે. જેથી ડાબી બાજુ અડધો ફૂટ ઉંચો રોડ છે. જ્યારે જમણી બાજુ નીચો હોવાથી રાત્રિના સમયે વાહનચાલકો ન દેખાતા વારંવાર અકસ્માતના બનાવો બંને છે. તેને ધ્યાને લઇને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. વિદ્યાનગર એલીકોન ગાર્ડ થી બાકરોલ ગેટ સુધીના માર્ગ પર ડાબી બાજુએ આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે.
જ્યારે જમણી બાજુ કામ છેલ્લા એક માસથી પડતું મુકવામાં આવ્યું છે જેના કારણે જમણી બાજુનો રોડ બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયો છે. તેમજ ખાડા ટેકરા વધી ગયા છે. રસ્તામાં બે જગ્યાએ જોખમી વૃક્ષો વચ્ચે વચ્ચ હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી પડે છે. આરસીસી રોડ ઉંચો હોવાથી રાત્રિના સમયે કાર ચાલકો તેમાં અથડતાં અક્સ્માતના બનાવો વધી ગયો છે. આ રોડ પરથી દૈનિક 10 હજારથી વધુ વાહનચાલકો વડતાલ સહિતના ગામોમાં અવરજવર કરતા હોય છે. તેમજ શહેરના મુખ્યમાર્ગમાં તેનો સમાવેશ થાય છે.
જમણી બાજુ આરસીસી રોડ નહીં બને તો ભારે હાલાકી થશે વિદ્યાનગર એલીકોન ગાર્ડન થી બાકરોલ ગેટ સુધીના માર્ગ જમણી બાજુ આરસીસી રોડનું કામ પડતું મુકાયું છે. જેતે વખતે ડાબી બાજુએ રોડની કામ ચાલતું હતું ત્યારે જમણી બાજુ બંને બાજુના વાહનોની અવરજવરના કારણે રોડ બેસી ગયો છે. કેટલીક જગ્યાએ મોટા મોટા ખાડા પડી ગયા છે. તેમજ મેટલ ઉપસી આવ્યાં છે. નજીકના પ્લેટફોર્મના બ્લોક પણ નીકળી ગયા છે. જેના કારણે વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. ચોમાસા પહેલા આરસીસી રોડ નહીં બનાવવામાં આવે તો રાત્રિના સમયે મોટી દુર્ઘટના સર્જાવાનો ભય સતાવી રહ્યો છે.
શહેરના અમીન ફાટક થી અક્ષરફાર્મના પાછળના ભાગેથી રાજપથ માર્ગને જોડતા માર્ગ આરંભ પાર્ટી પ્લોટ પાસે આરસીસી રોડ બનાવ્યો છે. તેની બંને બાજુએ ગંદકીનું સામ્રાજય છવાયેલુ છે. તેમજ રોડ પર ધૂળ જોવા મળી રહી છે. મનપા કર્મચારીઓ આવે છે તો ખરા પણ ઉપર ઉપર સાવરણો મારી ધૂળની ઢગલીઓ કરીને રફુચકર થઇ જાય છે. જેના કારણે ભારે પવનમાં ધૂળ આજુબાજુની સોસાયટીના ઘરોમાં ઘુસી જાય છે. જેથી વૃદ્વોને શ્વાસ લેવામાં મુશ્કેલીઓ પડે છે. ત્યારે મનપા દ્વારા તાત્કાલિક યોગ્ય રીતે સાફસફાઇ કરવામાં આવે તે જરૂરી છે.
વિદ્યાનગર એલીકોન થી જીઆઇડીસી તરફ જતાં ગાના સુધી સરદાર પટેલ રાજમાર્ગ પર તંત્ર દ્વારા બોર્ડ માર્યું છે,કે સરદાર પટેલ રાજમાર્ગ પર ગંદકી, દબાણ કે પાર્કિગ કરવું નહીં તેમજ અમલ નહીં થાય તો કાર્યવાહી કરાશે. આ વિસ્તારમાં રહેતા એક પરિવારે જાહેર નોટીસ બોર્ડ પાસે છાણ નાંખવા માટે ઉકરડો બનાવી દીધો છે. આ માર્ગ કેટલીક જગ્યાએ ઉકરડાં રોડને અડી બનાવેલ છે. જેના કારણે રોડ પર ગંદકી ફેલાય છે. જેને લઇને ચાલકોને હાલાકીનો સમાનો કરવો પડે છે. ત્યારે જાહેર નોટી બોર્ડ લગાવનાર તંત્રના અધિકારીઓ બોર્ડ લગાવ્યાં બાદ ક્યારેય જોવા આવ્યાં નથી. જેથી રાજપથ માર્ગ ગંદકી ખદબદી રહયો છે
આણંદના કરમસદ ગામે મૃત્યુજંય મહાદેવ પાસે પાણી પાઇપ લાઇન તુટી ગયા બાદ સમારકામ કરીને માત્ર મેટલ નાંખીને પુરાણ કરવામાં આવ્યું હતું. જેના કારણે ભારે વાહનો પસાર થતાં પુન: ખાડો પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે. ખાડાના કારણે તેમાં પાણી ભરાઇ રહેતા ગંદકી ફેલાય છે. તેમજ મચ્છરોનો ઉપદ્વવ વધી જતાં સ્થાનિકે પરેશાન થઇ ગયા છે. ત્યારે મનપા દ્વારા યોગ્ય રીતે પુરાણ કરીને તેના પર પેચવર્ક કરવાની માગ ઉઠવા પામી છે.