ચરોતરમાં પારો 16 ડિગ્રી થતાં સાંજથી જ ઠંડીનો સુસવાટો
કાશ્મીર સહિતના વિસ્તારમાં થઇ રહેલી હિમવર્ષાના પગલે ઠંડા પવનો સતત ત્રણ દિવસથી ફુકાઇ રહ્યાં હોવાથી ઠંડીનું જોર વધી રહ્યું છે. ચરોતરમાં લઘુતમ તાપમાન 24 કલાક 1 ડિગ્રી ઘટીને 16 ડિગ્રી પર પહોંચ્યું છે. જેના કારણે સાંજથી કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા અગાઉથી આગાહી કરવામાં આવી હતી કે નવેમ્બર મહિનાના અંત સુધીમાં મહત્તમ તાપમાન સામાન્યથી નીચું જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કે તેનાથી વધુ રહેવાની શક્યતાઓ છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર ચરોતરમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અહેસાસ વર્તાઇ રહ્યો છે. ત્યારે આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની સાથે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટાભાગના તાલુકાઓમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે.