ખંભાત પાલિકામાં સત્તાપક્ષના 22માંથી 8 કાઉન્સિલરના રાજીનામાં:
6 ભાજપના ને 2 અપક્ષના સભ્યનો સમાવેશ; પ્રમુખે બારોબાર કોન્ટ્રાક્ટરોને કમિશન માટે નાણા ચૂકવી દીધાનો આક્ષેપ
ખંભાત નગરપાલિકાના ભાજપના ઉપપ્રમુખ સહિત 8 કાઉન્સિલરે રાજીનામાં આપતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રમુખ દ્વારા કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર બિલો ચૂકવી દેતાં મામલો ગરમાયો હતો. ઉલ્લેખનીય છે કે, ઠરાવો અને કામ કર્યા પૂર્વે જ કોન્ટ્રાક્ટરોને કમિશનો માટે નાણા ચૂકવી દેવાનો આક્ષેપ કાઉન્સિલરો દ્વારા કરવામાં આવ્યો છે.
ખંભાત નગરપાલિકામાં ફરી એકવાર આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. સત્તાપક્ષના 22 સભ્યોમાંથી 8 સભ્યોએ રાજીનામાં આપ્યા છે, જેમાં 6 ભાજપના અને 2 અપક્ષના સભ્યોનો સમાવેશ થાય છે.
ભાજપના 6 અને અપક્ષના 2 સભ્યના રાજીનામાં ખંભાત નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી રાજકરણ ગરમાયેલું હતું. નગરપાલિકાના હાલના પ્રમુખ દિગ્વિજયસિંહ પરમારની કામગીરી સામે સભ્યોની નારાજગીને લઈ છેલ્લા ઘણા સમયથી ખૂબ મોટા વિવાદો ચાલી રહ્યા હતા. જે વિવાદો ચરમસીમાયે પહોંચતા આજ રોજ ભાજપના છ અને અપક્ષના બે કાઉન્સિલરે આવતીકાલે યોજનાર ખંભાત નગરપાલિકાની બોર્ડ બેઠક પહેલાં જ રાજીનામાં આપતાં ખંભાત શહેરના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.