૮ કરોડના ખર્ચે બનશે નવો મીની ડેમ : ખંભાતના ખેડૂતોને રાહત
ખંભાતથી જીણજ માર્ગ વચ્ચે આવેલ વર્ષોજૂનો હાથિયા ખાડ કાંસ જર્જરિત અવસ્થામાં ફેરવાઇ ગયો છે. નિકાસ કાંસના દરવાજા જર્જરિત બનવાથી પાણી દરિયામાં વહી જતું હતું. ઉપરાંત ચોમાસાની ઋતુ સહિત યોગ્ય સમયે દરવાજા ન ખૂલવાના કારણે સંરક્ષણ દિવાલને નુકસાન પહોંચતું હતું. બીજી તરફ પાણી ઓવરફલો થઇને હાથિયાખાડ માર્ગ ઉપરથી પસાર થવાના કારણે ખંભાતથી જીણજ માર્ગ બંધ કરવાની ફરજ પડતી હતી.
આ સમસ્યાઓના નિરાકરણ માટે ખંભાતના ભાટ તલાવડી-લુણેજ ઓવરફલો હાથીયાખાડ નિકાલ કાંસને ૮ કરોડના ખર્ચ મીની ડેમમાં ફેરવવામાં આવશે. ધારાસભ્ય ચિરાગભાઇ પટેલના હસ્તે મીની ડેમની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે, ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના સમયે ભરાતા પાણીના નિકાલ માટે આ કાંસ બનાવવામાં આવ્યો હતો. હાથિયા ખાડ ડ્રેનેજમાં ડાકોર, ઉમરેઠ, કરમસદ, ભંડેરજ થઇ નગરા બાદ ખંભાતના છેવાડા વિસ્તાર સુધી કાંસમાં વહેતા વરસાદી પાણીને વિશાળ દરવાજો મૂકીને સુરિક્ષત કરાતું હતું. જયારે વધુ વરસાદ પડે ત્યારે દરવાજો(ગેટ) ખોલીને નિકાસ મારફતે પાણીનો દરિયામાં નિકાલ કરાતો હતો. પરંતુ હાથીયાખાડનો દરવાજો જર્જરિત થવાથી પાણીનો જથ્થો દરિયામાં વહી જતો હતો. પરિણામે આસપાસના ગામોમાં એક મોટી નિકાસ હોવાથી ખેડૂતોને ખેતી માટે ભારે અગવડતા પડતી હતી. ચોમાસામાં ઉપરવાસના પાણી અને વ્યાપક વરસાદમાં ગેટ ખોલવામાં મુશ્કેલી પડતી હોવાથી પાણી ભરાઇ જવાની સમસ્યા ઉદ્દભવતી હતી.