કઠલાલ હોસ્પિટલમાં નોકરીના પહેલા જ દિવસે સફાઈ કર્મચારી દ્વારા ૧.પ૭ લાખની ચોરી
કઠલાલમાં આવેલ હોસ્પિટલમાં સફાઇ કામદાર તરીકે નોકરીએ રહેલા કર્મચારીએ પ્રથમ દિવસે જ ઓપીડીના ડ્રોઅરમાંથી ૧.પ૭ લાખની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવવા પામી છે.
મળતી વિગતોમાં કઠલાલના અમદાવાદ રોડ પરના કોમ્પલેક્ષમાં હર્ષિલ પટેલની હોસ્પિટલ આવેલી છે. તેઓએ ૧૮ એપ્રિલ,ર૦રપના રોજ જરુરી આધાર પુરાવા ચકાસીને સફાઇ કામદાર તરીકે કપડવંજ તાલુકાના ઘડીયાના વણકરવાસના સચીન શંકરભાઇ વણકરને સફાઇ કામદાર તરીકે નોકરીએ રાખ્યો હતો. નોકરીના પ્રથમ દિવસે મધ્યરાત્રિ બાદ સચિન વણકર ઓપીડીના ત્રણ નંબરના કેબીનમાં સફાઇ માટે ગયો હતો. જેમાં કેબિનનું ડ્રોઅર તોડીને અંદર મૂકેલ હોસ્પિટલની છેલ્લા કેટલાક દિવસોની સિલક ૧.પ૭ લાખ ચોરી કરીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટના હોસ્પિટલની કેબિનમાં લગાવેલ સીસી ટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
બીજા દિવસે નિત્યક્રમ મુજબ હોસ્પિટલમાં આવેલા હર્ષિલભાઇ પટેલે ડ્રોઅર તૂટેલું અને અંદરની રોકડ રકમ ગાયબ જોતા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં નોકરીના પ્રથમ દિવસે ફરજ બજાવતા સફાઇ કર્મચારી સચિન વણકરે ચોરી કર્યાનું જોવા મળ્યું હતું. જેથી તેઓએ કઠલાલ પોલીસ મથકે સચિન વણકર વિરુદ્ઘ ફરિયાદ નોંધાવતા પોલીસે ગૂનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.