હવે નડિયાદ – આણંદ રેલ્વે સ્ટેશને ડિજિટલ પેમેન્ટની સુવિધા મળશે
પશ્ચિમ રેલ્વેના વડોદરા મંડળ દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને વિવિધ સ્ટેશનો પર ડિજિટલ પેમેન્ટ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધાઓ દ્વારા મુસાફરો હવે ઝડપી, સરળ અને કેશલેસ પેમેન્ટનો લાભ ઉઠાવી શકશે. જેમાં નડિયાદ અને આણંદ ખાતે પણ હવે ડિજીટલ સુવિધા મુસાફરોને મળી રહેશે.
પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોના હીતમાં અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન (ATVM) વડોદરા, અંકલેશ્વર, ભરૂચ, આણંદ, નડિયાદ અને ગોધરા જેવા તમામ મુખ્ય સ્ટેશનો પર સ્થાપિત કરવામાં આવ્યા છે. મુસાફરો આ મશીનો દ્વારા જાતે જ અનારક્ષિત ટિકિટ બુક કરી શકે છે, જેનાથી ટિકિટ કાઉન્ટર પર લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂરિયાત નહીં રહે અને સમયની બચત પણ થશે.
યુટીએસ મોબાઇલ ટિકિટિંગ એપની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ એપ દ્વારા મુસાફરો સ્ટેશન પરિસરની બહાર ગમે ત્યાંથી તેમના મોબાઇલ ફોન દ્વારા અનારક્ષિત ટિકિટ બુક કરી શકે છે. આ એક અનુકૂળ, પેપરલેસ અને ઝડપી ટિકિટ બુકિંગ વિકલ્પ હોવાથી અને હવે મોટાભાગના લોકો કેશલેસ પેમેન્ટ કરવાનું જ પસંદ કરતાં હોવાથી આ સુવિધાનો લાભ મુસાફરોને હવે મળશે.