સુંદલપુરા દૂધ મંડળીમાં ક્લાર્કની ઉચાપતનો ભોગ સભાસદો બન્યા
ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામની દૂધ મંડળીમાં ફરજ બજાવતા દાણઘરના ક્લાર્કે કરેલી ઉચાપતના નાણાંની વસુલાત ક્લાર્ક પાસેથી કરવાના બદલે આ નાણાંની વસુલાત સભાસદોએ ભરેલ દૂધમાંથી કરવામાં આવતા સભાસદોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
સુંદલપુરા ગામની દૂધ મંડળીમાં દાણઘરના ક્લાર્કે કરેલી ઉચાપતના નાણાં અમૂલે ગ્રાહકોના દૂધમાંથી કાપી લેવાનો નિર્ણય કર્યો હતો. દેરીએ ક્લાર્ક પાસેથી વસુલીને નાણાં ગ્રાહકોને આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ક્લાર્કે નાણાં ન આપતાં ગ્રાહકો છેલ્લા કેટલાક સમયથી ભરેલા દૂધના નાણાં ન મળતા બુધવાર સવારે ગ્રાહકો મંડળીમાં ભારે હોબાળો મચાવીને વિરોધ નોંધાવ્યો હતો.
સુંદલપુરા દૂધ મંડળીના પૂર્વ સેક્રેટરી યતીન પટેલે ત્રણ વર્ષ અગાઉ દૂધ મંડળીમાંથી ૧૫.૫૦ લાખના નાણાં ઉચાપત કરતાં તેને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે ૧૨ લાખ રૂપિયા પરત કર્યા હતા. જ્યારે ત્રણ લાખ જેવા બાકી પડતા હતા જેથી નવી ચૂંટાયેલી વ્યવસ્થાપક કમિટીએપુન: દાણઘરમાં ક્લાર્ક તરીકે લઈને તેના પગારમાંથી ૩ લાખ કાપવાનું નક્કી કર્યું હતું. પરંતુ તેણે દાણઘરમાંથી ૩.૧૮ લાખની ઉચાપત કરી હોવાનું ઓડીટમાં બહાર આવ્યું હતું. જેથી અમૂલે દૂધ મંડળીમાં ગ્રાહકો ભરેલા દૂધમાંથી નાણાં કપાવી લેવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે દૂધ મંડળી ઠરાવ કરીને ક્લાર્ક પાસેથી નાણાં વસુલીને ગ્રાહકોને આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ ક્લાર્ક નાણાં નહીં આપતો હોવાથી ગ્રાહકોને દૂધના નાણાં ન મળતા ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જેથી બુધવાર સવારે દૂધ ભરતાં પશુપાલકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.