ડાકોર-ઉમરેઠ રોડ પર દુધના ટેન્કરની પલટી, રસ્તા પર દુધની રેલમછેલ
ઠાસરા તાલુકા બાજુથી દુધ ભરીને આણંદ અમુલ ડેરીમાં જતી એક ટેન્કર આજે સાંજના સુમારે ડાકોર-ઉમરેઠ રોડ ઉપર આવેલી ભવન્સ કોલેજ પાસે પલ્ટી મારી જતાં રોડ ઉપર દુધની રેલમછેલ થઈ જવા પામી હતી. જેને લઈને સ્થાનિકોએ દુધ લેવા માટે પડાપડી કરી મુકી મુકતા ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. આ અંગે ડાકોર પોલીસે કાર્યવાહી હાથ ઘરી છે.
અકસ્માતની મળતી વિગતો અનુસાર અમુલ દુધની આજે સાંજના સુમારે ઠાસરા તરફ આવેલી દુધ મંડળીઓમાંથી દુધ ભરીને આણંદ જવા નીકળી હતી. દરમ્યાન સાંજના પાંચેક વાગ્યાના સુમારે ડાકોર-ઉમરેઠ રોડ ઉપર આવેલા ઓવરબ્રીજ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એકાએક ડ્રાયવરનો સ્ટેરીંગ પરનો કાબુ જતો રહેતા ટેન્કર પલ્ટી મારી ગઈ હતી. એ સાથે જ ઢાંકણુ ખુલીજતા દુધની રેલમછેલ થઈ જવા પામી હતી. ઘટનાની જાણ સ્થાનિકોને થતાં જ તેઓ બરણી, તપેલા સહિત હાથમાં જે કોઈ પણ વાસણ આવ્યું તે લઈને દુધ લેવા માટે આવી પહોંચ્યા હતા અને ટેન્કરમાંથી દુધ ભરી ભરીને પોતાના ઘરે લઈ ગયા હતા.
અકસ્માતના પગલે-પગલે રોડ ઉપર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ ડાકોર પોલીસને થતાં જ પોલીસ આવી પહોંચી હતી અને ક્રેઈનની મદદથી પલ્ટી મારી ગયેલી ટેન્કરને ઉભી કરીને સ્થળ પરથી હટાવી ટ્રાફિક ક્લીયર કર્યો હતો. જો કે સ્થાનિકોએ દુધ લેવા માટે જે રીતે પડાપડી કરી હતી. તેનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ જવા પામ્યો છે.