આણંદ પોલીસની કામગીરીની તપાસ માટે આઈજીપી વિધિ ચૌધરીનો દિવસભરનો પ્રવાસ
અમદાવાદ રેન્જ આઈજીપી વિધિ ચૌધરી દ્વારા આજે આણંદ જિલ્લા પોલીસની વાર્ષિક તપાસણી હાથ ઘરવામાં આવી હતી. જે અંતર્ગત દિવસભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે વાર્ષિક ઈન્સ્પેક્શનના ભાગરૂપે વહેલી સવારે આણંદના પોલીસ ગ્રાઉન્ડ ઉપર પરેડનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ડીએસપી જી. જી. જસાણી, ડીવાયએસપીઓ, પીઆઈઓ તેમજ પીએસઆઈઓ સહિત પોલીસ કર્મચારીઓ પરેડમાં જોડાયા હતા. ત્યારબાદ પોલીસ વિભાગની ઉપગોયી એવી વિવિધ કવાયતો જેવી કે, મોકડ્રીલ, બસ ઈન્ટરવેશન, ચેકપોષ્ટ ડ્રીલ, ડોગ સ્ક્વોર્ડ, માઉન્ટેડ ડ્રીલ રજુ કરવામાં આવી હતી.
ત્યારબાદ પોલીસ મહાનિરીક્ષકની અધ્યક્ષતામાં પોલીસ દરબારનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં પોલીસના મહત્વના પ્રશ્નો સાંભળીને સ્થળ પર જ તેનું નિરાકરણ કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ સરકીટ હાઉસ ખાતે આણંદ જીલ્લાના સ્થાનિક અગ્રણીઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં તેઓના પ્રશ્નો સાંભળીને નિરાકરણ લાવવાની રેન્જ આઈજીપી વિધિ ચૌધરીએ બાંહેધરી આપી હતી. આ સંવાદ કાર્યક્રમમાં સરકારના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા વિકસાવેલ પોર્ટલ ઉપર ગુમ/ખોવાયેલા/ચોરી થયેલા મોબાઈલની ફરિયાદો નોંધીને તે શોધી કાઢવામાં આવે છે. જે અંતર્ગત ત્રણ માસ દરમ્યાન કુલ ૩૮૯ મોબાઈલ ફોન રીકવર કરવામાં આવ્યા હતા. જેમાથી ૧૦ નાગરિકોને રેન્જ આઈજીપી વિધિ ચૌધરીના હસ્તે પરત આપવામા ંઆવ્યા હતા. ડીએસપી જી. જી. જસાણીના આયોજન અને શિસ્તબધ્ધ પરેડની કામગીરીને રેન્જ આઈજીપીએ બિરદાવીને જીલ્લા પોલીસને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતુ.