આણંદ જિલ્લામાં 19 મેએ સિવિલ ડિફેન્સની ભરતી, પોલીસ સ્ટેશન પર યોજાશે પ્રક્રિયા
આણંદ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરે જાહેરાત કરી છે કે જિલ્લાના તમામ તાલુકાઓમાં સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોની નિમણૂંક કરવામાં આવશે. આ નિમણૂંક પ્રક્રિયા 19 મે સોમવારે સવારે 11 વાગ્યે દરેક તાલુકાના પોલીસ સ્ટેશનમાં યોજાશે.
આણંદ તાલુકા માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે નિમણૂંક થશે. ઉમરેઠ, બોરસદ, આંકલાવ, પેટલાદ, સોજીત્રા, ખંભાત અને તારાપુર તાલુકા માટે તેમના સંબંધિત પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી હાથ ધરાશે. ઉમેદવારોએ આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.
ઉમેદવારો માટેની પાત્રતા માપદંડમાં ઉંમર 18 વર્ષથી વધુ અને ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 4 પાસ હોવી જરૂરી છે. NCC, NSS, NYKS, માજી સૈનિક અને ખાનગી સિક્યુરિટી અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
નિમણૂંક પામનાર સ્વયંસેવકોએ આપાતકાલીન પરિસ્થિતિમાં સેવા આપવાની રહેશે. આ સેવા માટે કોઈ વળતર આપવામાં આવશે નહીં. મહિલા અને પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકે છે.