નડિયાદમાં નવાં સિવિક સેન્ટરમાં સુવિધાનો અભાવ, લોકો પરેશાન
નડિયાદ : નડિયાદ મનપા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ઉતાવળે શરૂ કરાયેલા સિવિક સેન્ટરમાં જન્મના દાખલા માટે ફોર્મથી માંડી ફી ભરવાની કોઈ વ્યવસ્થા ઉભી કરાઈ નથી. ફોર્મ ભર્યા બાદ માત્ર દાખલો જ સિવિક સેન્ટરથી અપાય છે. જેથી નાગરિકોને એક જ કામ કરાવવા માટે બે બે સ્થળો પર ધક્કા ખાવાની નોબત આવે છે.
નડિયાદ મહાનગરપાલિકા કચેરી દ્વારા ડિસેમ્બર, ૨૦૨૪ના અંતમાં સિવિક સેન્ટરનું ઉદ્ધાટન કરવામાં આવ્યુ હતુ. આ સિવિક સેન્ટર ખોલ્યા બાદ ત્યાં પ્રાથમિક સુવિધાઓ સંદર્ભની સમસ્યાઓની ફરીયાદ લેવામાં આવતી હતી. ઉપરાંત પાણી અને ગટર કનેક્શનના ફોર્મ ભરવાની સુવિધા ઉભી કરાઈ છે. જો કે, સૌથી મહત્વની ગણાતી સેવાઓ પૈકીની જન્મ-મરણના દાખલા સંદર્ભે મનપા પ્રશાસને કોઈ ચોક્કસ સુવિધા ઉભી કરી નથી. અરજદારો જન્મના દાખલા માટે સિવિસ સેન્ટર ખાતે જઈ રહ્યા છે, જ્યાંથી તેમને ફોર્મ લેવા અને ફોર્મ ભરીને જમા કરવા માટે મનપા કચેરીએ જવા માટે જણાવાય છે. ત્યારબાદ આ જન્મ-મરણના દાખલા સબંધિત ફી પણ માત્ર મનપા કચેરીમાં જ ભરી શકાય છે. એટલું જ નહીં, માત્ર દાખલો લેવા માટે સિવિક સેન્ટર જવા માટે જણાવી દેવાય છે. ત્યારે અરજદારોને એક જ કામ કરવા માટે મનપા અને સિવિક સેન્ટર એમ બે સ્થાને જવાની ફરજ પડે છે.
ખાસ કરીને સિવિક સેન્ટર ઉભુ કરવા પાછળ જે-તે સમયે તંત્રનો હેતુ એમ હતો કે, નડિયાદ પૂર્વના મનપાથી દૂર આવેલા વિસ્તારના લોકોને અત્રે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય. પરંતુ જન્મ-મરણના ફોર્મ લેવા સહિત નાણાં જમા કરાવવા માટેની કોઈ વ્યવસ્થા ન કરાતા લોકો માટે પરીસ્થિતિ જૈસે થે જેવી જ છે. મનપા પ્રશાસન દ્વારા તત્કાલ જન્મ-મરણના દાખલાની સંપૂર્ણ પ્રક્રિયા સિવિક સેન્ટર ખાતે થઈ શકે, તેવી વ્યવસ્થા ઉભી કરવાની તાતી જરૂર ઉભી થઈ છે.
નડિયાદમાં ઉમેરવામાં આવેલા ૧૦ ગામોમાં જે-તે ગ્રામ પંચાયતમાં જ સિવિક સેન્ટર ખોલાયુ છે. જ્યાં આ સિવિક સેન્ટરમાં તમામ સુવિધા ઉપ્લબ્ધ છે. જન્મના દાખલા માટેની તમામ પ્રક્રિયા સિવિક સેન્ટર ખાતેથી જ થઈ જાય છે. તેવા સંજોગોમાં શહેરમાં નવા શરૂ કરાયેલા સિવિક સેન્ટરમાં આ સુવિધા ઉપ્લબ્ધ કરાય તેવી માંગણી ઉઠી છે.