વટવામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ક્રેન પડતાં રેલવે વ્યવહારને અસર, નડિયાદમાં જય માનવ સેવા પરિવારે અટવાયેલા મુસાફરોને ચા-નાસ્તો પહોંચાડ્યો
અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મોટો આંચકો લાગ્યો છે. 23 માર્ચની રાતે રોપડા બ્રિજ નજીક બુલેટ ટ્રેનના પિલર પર મૂકવામાં આવેલી વિશાળ ક્રેન અચાનક ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની સીધી અસર રેલવે વ્યવહાર પર પડી છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. વડોદરાથી અમદાવાદ તરફ જતી સયાજીનગરી અને એકતાનગર સહિતની 10 ટ્રેનોને વિવિધ સ્ટેશનો પર જે તે સમયે રોકી દેવાઈ હતી.રેલવે તંત્રએ અમદાવાદ આવતી કેટલીક ટ્રેનોને વડોદરા ડાયવર્ટ કરી હતી. અમદાવાદ જનારા મુસાફરોને વડોદરા, નડિયાદ કે આણંદ સ્ટેશને ઉતરવાની ફરજ પડી હતી. જોકે બપોરે ટ્રેન વ્યવહાર શરૂ થઈ ચૂક્યો છે.નડિયાદ રેલવે સ્ટેશન પર અટવાયેલા મુસાફરોની મદદે જય માનવ સેવા પરિવાર આવ્યું છે. સંસ્થાના મનુ મહારાજે પ્લેટફોર્મ પર મુસાફરો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરી છે. અમદાવાદ તરફ જતી ટ્રેનના મુસાફરોને પણ ચા-નાસ્તો અને બિસ્કીટ પૂરા પાડવામાં આવ્યા છે. જોકે સ્ટેશન માસ્તરે જણાવેલ કે હાલ ટ્રેન વ્યવહાર શરૂ થઈ ચૂક્યો છે.
