પાંથાવાડામાં પાણીની સુવિધા માટે બે કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં, રહેવાસીઓને હજુ પાણીના કનેક્શન મળ્યા નથી
ગુજરાતના બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાનું ગામ છે પાંથાવાડાના સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે પાણીની સમસ્યા યથાવત્ છે. 10 હજારની વસ્તીવાળા પાંથાવાડા ગામમાં એક વર્ષ પૂર્વે વાસ્મો યોજના થકી બે કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખી, ટાંકા પણ ઉભા કરાયા, પણ પાણીના કનેકશન ન આપતાં ખર્ચ માથે પડે તેવો ઘાટ ઘડાયો છે. એક વર્ષ પછી ગ્રામ પંચાયત જાગી છે અને હવે પંચાયતે કોન્ટ્રાક્ટરને પાણીનું જોડાણ મેળવવા માટે પ્રક્રિયા હાથ ધરી છે.
₹2 કરોડ ખર્ચાયા, પણ પાણી કયાં છે?
પાંથાવાડામાં લોકોને પીવાનું પાણી નળ દ્વારા મળી રહે તે હેતુથી જળ જીવન મિશન કાર્યક્રમ યોજના હેઠળ નળશે જળ યોજના અંતર્ગત બે કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. જોકે એક વર્ષ વિતવા છતાં 10 લાખ લિટરનું ટાંકું અને પહાડ પર આવેલ 2 લાખ લિટર પાણીનું ટાંકું હજી સુધી પાઇપલાઇનથી જોડવામાં આવ્યું નથી.
પાણી માટે હાહાકાર
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, “હજી ઘણા ઘરોને પીવાના પાણીના કનેક્શન મળ્યા નથી, અને જે ટાંકાઓ બનાવાયા છે, તેઓને પાઇપલાઇનથી જોડવામાં પણ આવ્યું નથી.” ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, અને જો ટાંકાઓને કનેક્શન આપવામાં નહીં આવે, તો ઘણા વિસ્તારો પાણી વિહોણા રહી શકે છે.
અધિકારીઓ અને સરપંચ શું કહે છે?
દાંતીવાડાના આસિસ્ટન્ટ ટેકનિકલ અધિકારી સંજયભાઈએ જણાવ્યું, “એક વર્ષ પહેલા કામ પૂરું થયું છે. ગ્રામ પંચાયત દ્વારા પાણીનું જોડાણ મેળવવા માટે દરખાસ્ત કરવામાં આવતી હોય છે, જે પ્રક્રિયા હજુ સુધી થઈ નથી.”
સરપંચનો દાવો: કોઈ સમસ્યા નથી!
જ્યારે સરપંચને આ મુદ્દે પ્રશ્ન કરવામાં આવ્યો, તો તેમણે કહ્યું, “પાંથાવાડામાં કોઈ પાણીની સમસ્યા નથી. બાકી રહેલ કામ માટે કોન્ટ્રાક્ટરને સુચના આપવામાં આવી છે.” તલાટીએ વધુમાં જણાવ્યું, “હું મહિના પહેલા જ હાજર થયો છું, અને આ બાબતની મને વધારે માહિતી નથી.”
લોકો ક્યારે મળશે પાણી?પાંથાવાડાના રહેવાસીઓ માટે આ પ્રશ્ન અત્યારે જીવનમરણનો બની ગયો છે. ₹2 કરોડનો ખર્ચ કર્યા પછી પણ પાણીની સુવિધા શરૂ ન થવી, તંત્રની બેદરકારીનું ઉદાહરણ છે. જો તુરંત પગલાં ન લેવામાં આવે, તો ઉનાળામાં લોકોની સ્થિતિ વધુ વણસી શકે છે.