સરદાર પટેલ યુનિવર્સિટીના કોન્સર્ટમાં મીડિયા કર્મીઓ સાથે બાઉન્સરો દ્વારા દુર્વ્યવહાર
સરદાર પટેલ યુનિવર્સિટીના “મ્યુઝિકલ કોન્સર્ટ ફોર ચેરિટી” માં વધુ અવાજે સંગીત વગાડાતા વિદ્યાર્થીઓ અને આસપાસના રહેવાસીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો. પરિસ્થિતિ એટલી બેકાબૂ બની કે મીડિયા કર્મીઓ પર પણ બાઉન્સરો દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો.
મિડિયા પર દબાણ, કવરેજ અટકાવવાનો પ્રયાસ
પ્રાપ્ત માહિતી મુજબ, સ્થળ પર હાજર કેટલીક મીડિયા સંસ્થાઓના પત્રકારોએ આયોજકો સામે અવાજની વધુ મર્યાદા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો, જેના પરિણામે, બાઉન્સરો દ્વારા પત્રકારો સાથે ઉગ્ર વાદવિવાદ થયો અને કેટલાક પત્રકારોને બળજબરીથી સ્થળ પરથી હટાવી દેવામાં આવ્યા. કેટલાક પત્રકારોના કેમેરા પણ રોકવામાં આવ્યા અને કવરેજ કરવા માટે પરેશાની ઊભી કરવામાં આવી.
વિદ્યાર્થીઓ અને સ્થાનિકોની ફરિયાદ
વિદ્યાર્થીઓનું કહેવું છે કે વધુ અવાજને કારણે તેમનું અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બની ગયું. ઘણા વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ હોવાથી તેઓ માટે આ અવાજ અત્યંત પરેશાનિકારક સાબિત થયો. યુનિવર્સિટી નજીક રહેતા સ્થાનિકોએ પણ આ અવાજને લઇ પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી.
આયોજકોની ગફલત કે અનદેખી?
આ કોન્સર્ટનું આયોજન અનંદ કન્સલ્ટન્ટ ડોક્ટર્સ એસોસિએશન અને સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે, આયોજન દરમિયાન અવાજની મર્યાદા અને મીડિયાની હાજરી માટે કોઈ સ્પષ્ટ નિયમો રાખવામાં આવ્યા નહોતા, જેના કારણે આ મામલો વધુ ઉગ્ર બન્યો.
વિદ્યાર્થીઓ અને મીડિયા સંસ્થાઓએ આ ઘટનાને ગંભીરતાથી લેવાની અને ભવિષ્યમાં આવાં કાર્યક્રમો દરમિયાન અવાજ નિયંત્રણ અને મીડિયાની સુરક્ષા માટે સ્પષ્ટ ગાઇડલાઇન બનાવવાની યુનિવર્સિટી પ્રશાસન પાસે માંગણી કરી છે.