આણંદ એસ.ઓ.જી.ની મોટી કાર્યવાહી: ગેરકાયદેસર ઇ-સીગારેટ વેચતા ઇસમને ઝડપ્યો!
એસ.ઓ.જી. ટીમે ગેરકાયદેસર પ્રતિબંધીત ઇ-સીગારેટના વેપાર પર મોટી કાર્યવાહી કરતાં એક ઇસમને ઝડપી પાડ્યો છે. આણંદ-વિદ્યાનગર રોડ પર આવેલી “ઉસ્તાદ શીશા” દુકાનમાંથી ઇ-સીગારેટની હેરફેર થઈ રહી હોવાની બાતમી આધારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આણંદ એસ.ઓ.જી. ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પો.કો. ભરતકુમાર અને પો.કો. ભાવિકકુમારને બાતમી મળી કે “ઉસ્તાદ શીશા” નામની દુકાનમાં નૌશાદ શેખ નામનો ઇસમ વિદેશી અને પ્રતિબંધીત ઇ-સીગારેટ વેચી રહ્યો છે. પોલીસ દુકાન પર પહોંચી તપાસ કરતાં ત્યાંથી ત્રણ ઇ-સીગારેટ મળી આવી, જેની કિંમત રૂ. 7,500 થાય છે. આ મામલે આરોપી નૌશાદમોહંમદ જાનમોહંમદ શેખ (રહે. યાકુતપુરા, વડોદરા) સામે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેની પાસેથી પ્રતિબંધીત ઇ-સીગારેટ: 3 (કિંમત રૂ. 7,500/-), મોબાઇલ ફોન: 1 (કિંમત રૂ. 20,000/-) કબ્જે લઈ આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી (અમદાવાદ વિભાગ) અને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી. જસાણીની સુચનાની આધારે હાથ ધરવામાં આવી હતી. એસ.ઓ.જી.ના પો.ઇન્સ્પેકટર એ.જે. અસારીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. એસ.ઓ. ચૌધરી અને એસ.ઓ.જી. ટીમે આ સફળતા મેળવી. પોલીસે જણાવ્યું કે, આણંદ જિલ્લામાં નશીલા પદાર્થો અને ગેરકાયદેસર હેરફેર અટકાવવા માટે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવનારા સમયમાં પણ આવા વેપારીઓ પર વોચ રાખવામાં આવશે અને કડક પગલાં ભરાશે.
ગેરકાયદેસર ઇ-સીગારેટ વિશે જાણવું જરૂરી:
ઇ-સીગારેટ પર ભારતમાં પ્રતિબંધ છે, અને તેની હેરફેર અથવા વેચાણ દંડનીય ગુનાહિત કૃત્ય છે. તંત્રે નાગરિકોને અનુરોધ કર્યો છે કે, આવા કિસ્સા જણાય તો તત્કાલ પોલીસને જાણ કરી શકે.