સિવિલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ 38% દર્દીના મોત: વિધાનસભામાં સરકારનો ખુલાસો
શહેરની સિવિલ મેડિસિટી ખાતે આવેલી ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) માં છેલ્લા બે વર્ષમાં 140 લીવર અને 848 કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર, લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા 38% દર્દીઓએ હોસ્પિટલમાં જ જીવ ગુમાવ્યો છે. આ બે વર્ષમાં કિડનીના 28 અને લીવરના 54 દર્દીઓના મૃત્યુ થયા છે.
બે વર્ષમાં 54 દર્દીઓના મૃત્યુ
સરકાર દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, 2023માં 196 અને 2024માં 205 એમ કુલ 401 લીવર ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતમાં થયા છે. આ પૈકી IKDRC માં 137 લીવર ટ્રાન્સપ્લાન્ટ થયા હતા, જ્યારે 3 દર્દીઓના લાઇવ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા.
મૃત્યુના કારણો પર આરોગ્ય વિભાગનો સ્પષ્ટીકરણ
આરોગ્ય વિભાગે ટ્રાન્સપ્લાન્ટ બાદ થયેલા મૃત્યુ માટે આંતરિક સમિતિ દ્વારા રિવ્યૂ કરવામાં આવ્યો છે. સમિતિએ તારણ આપ્યું કે ન્યુમોનિયા, ચેપ ફેલાવાની સમસ્યા, અંગ યોગ્ય રીતે કામ ન કરવું, ડોનર દ્વારા ઈન્ફેક્શન, ગોલ બ્લેડરમાં પથરી, ટી.બી., કેન્સર, પોર્ટલ વેઇન થ્રોમ્બોસિસ, એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ, હાર્ટ ફેલ્યર, નાજુક તબીબી સ્થિતિ, કુપોષણ, સ્નાયુઓની તકલીફ અને પુનરાવર્તનશીલ કિડની ઈજરી જેવી સમસ્યાઓના કારણે મૃત્યુ થયા હતા.
કિડની હોસ્પિટલમાં વધુ મૃત્યુ અને કેગ રિપોર્ટ પર વિવાદ
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કિડની હોસ્પિટલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટના વધતા મૃત્યુ અને કેગના ઓડિટ રિપોર્ટ અંગે સરકારની પારદર્શિતા પર સવાલ ઉઠાવ્યા હતા. આ અંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે કેગ દ્વારા હાફ ઓડિટ પેરા આપવામાં આવ્યા છે અને સરકાર તમામ પેરાનો જવાબ આપવા માટે પ્રક્રિયા કરી રહી છે.
ગુજરાતમાં 112 હોસ્પિટલ અંગોના રીટ્રાઇવલ માટે કાર્યરત
રાજ્યમાં કુલ 122 હોસ્પિટલ અંગોના રીટ્રાઇવલ માટે મંજૂર કરવામાં આવી છે, જેમાંથી 15 સરકારી છે. ગુજરાતમાં 33 હોસ્પિટલ અંગોના રીટ્રાઇવલ અને ટ્રાન્સપ્લાન્ટ બન્ને માટે સત્તાધિકૃત છે, જ્યારે 11 હોસ્પિટલ લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે મંજૂર છે. આરોગ્ય વિભાગ દાવા કરે છે કે રાજ્યમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક છે અને તેમાં કોઈ ભેદભાવ નથી.
દર મહિને સરેરાશ 35 કિડની ટ્રાન્સપ્લાન્ટ
સિવિલમાં દર મહિને સરેરાશ 35 દર્દીઓની કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ રહી છે. છેલ્લા બે વર્ષમાં કુલ 848 કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા છે, જે આરોગ્ય માટે ગંભીર મુદ્દો બની રહ્યો છે.