આણંદમાં દેશનું પ્રથમ સહકારી વિશ્વવિદ્યાલય સ્થાપવાની પ્રક્રિયા આગળ વધી ગઈ છે. બુધવારે લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ-2025ને મંજૂરી મળતા સહકારી ક્ષેત્રે નવા યુગની શરૂઆત થઈ છે. આ યુનિવર્સિટી સહકારી મંડળીઓ માટે કુશળ માનવબળ તૈયાર કરવાના ઉદ્દેશ્ય સાથે કાર્ય કરશે.
ત્રિભુવનદાસ પટેલના નામે નામકરણ
આ યુનિવર્સિટીને ભારતીય સહકારી આંદોલનના પ્રણેતા અને અમૂલના સ્થાપક ત્રિભુવનદાસ કિશીભાઈ પટેલના નામ પર રાખવામાં આવી છે. ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
સહકાર મંત્રાલય અને આણંદના સાંસદનો પ્રત્યાઘાત
આણંદના સાંસદ મિતેષભાઈ પટેલે સંસદમાં જણાવ્યું કે આ વિશ્વવિદ્યાલય *’સહઃ સમૃદ્ધિ’*ના સિદ્ધાંત પર કાર્ય કરશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આ ઐતિહાસિક નિર્ણાયક પગલા માટે આભાર માન્યો.
વિશ્વવિદ્યાલયમાં શા માટે શીખવાશે?
વિશ્વવિદ્યાલયમાં ડેરી, મત્સ્યપાલન અને બેન્કિંગ જેવા વિષયોના અભ્યાસ માટે વિશેષ કોર્સ શરૂ થશે. SWAYAM જેવા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા શિક્ષણની પહોંચ દેશભરમાં વિસ્તરશે. IRMA (ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદનો પણ આ યુનિવર્સિટી સાથે સમાવેશ કરાશે.
ત્રિભુવનદાસ પટેલ – સહકારી આંદોલનના પાયાના પથ્થર
ત્રિભુવનદાસ પટેલે 1946માં ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની સ્થાપના કરી, જે આજે અમૂલ તરીકે ઓળખાય છે. તેમણે ‘એક વ્યક્તિ, એક મત’ સિદ્ધાંત પર કામ કરી ખેડૂતોને સમાન અધિકાર આપ્યા. તેમની મહત્વપૂર્ણ સેવાઓ બદલ રેમન મેગ્સેસે એવોર્ડ અને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ યુનિવર્સિટી સહકારી પ્રણાલીને વધુ સશક્ત બનાવશે અને દેશભરના સહકારી સંસ્થાઓ માટે શિક્ષિત અને કુશળ નેતૃત્વ તૈયાર કરશે