કરમસદની ગોવર્ધન કાઠીયાવાડી હોટલમાં વાસી ફૂગવાળું ખાવાનું મળતાં તાત્કાલિક સીલ:વિદ્યાનગર રોડ પર મુરલીધર ફૂડ પાર્સલ ખાતે સ્વચ્છતાના અભાવે રૂ. 12,000 દંડ
આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરની વિવિધ હોટલ-રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અંગે તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન કરમસદ સ્થિત ગોવર્ધન કાઠીયાવાડી હોટલમાં વાસી અને ફૂગવાળું ખાવાનું મળી આવ્યું. અખાદ્ય પદાર્થો અને ગંદકી જોવા મળતાં હોટલ તાત્કાલિક સીલ કરવામાં આવી છે.
મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા મંગળવારે 25 માર્ચે વિદ્યાનગર રોડ પર મુરલીધર ફૂડ પાર્સલની પણ તપાસ કરવામાં આવી હતી, જ્યાં હાઇજિન અને સ્વચ્છતાની ગંભીર ઉણપો જોવા મળતાં હોટલ માલિક પર રૂ. 12,000 નો દંડ ફટકારાયો.
મહાનગરપાલિકા આરોગ્ય વિભાગની મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, સેનેટરી ઇન્સ્પેક્ટર અને અન્ય ટીમ સભ્યો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. કમિશનર મિલિંદ બાપનાએ સ્પષ્ટ કર્યું છે કે, “જો ખાણીપીણીના એકમો દ્વારા નાગરિકોના આરોગ્ય સાથે સમાધાન કરવામાં આવશે, તો તેમની સામે કડક કાર્યવાહી થશે.”
ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે પણ આરોગ્ય વિભાગ દ્વારા શહેરની હોટલોમાં તપાસ કરી પાંચ હોટલો સીલ કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય ખાણીપીણીના એકમોને હાઈજિન અને સ્વચ્છતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો છે.