બોરસદ તાલુકાના નાપા ગામે સાદત બોટલીંગ ખાતેથી રૂપિયા 1.17 લાખ ઉપરાંતનો ઠંડા પીણાનો જથ્થો જપ્ત
આણંદ જિલ્લાના ફુડ સેફ્ટી વિભાગે બોરસદ તાલુકાના નાપા ગામે સ્થિત ઠંડા પીણાના ઉત્પાદક સાદત બોટલીંગ ખાતે કાર્યવાહી કરી હતી. સોશિયલ મીડિયામાં ઠંડા પીણાની બોટલમાં જીવાત મળ્યાનો વિડીયો વાયરલ થતા સત્તાવાર તંત્રએ સઘન તપાસ હાથ ધરી હતી.
આ તપાસ દરમિયાન કુલ 04 નમૂના લઈ પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. તેમજ સાદત બોટલીંગ ખાતે રહેલા કુલ રૂ. 1,17,600/- ના અંદાજીત કિંમતના ઠંડા પીણાના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા માલમાં ફીઝા સોફ્ટ ડ્રિન્કસ ઓરેન્જ જમ-જમની 1008 બોટલ, ફીઝા સોફ્ટ ડ્રિન્કસ લાઈમ લેમન જમ-જમની 1152 બોટલ, ફીઝા જીરા કુલ મેજીક કાર્બોનેટેડ બીવરેજની 8400 બોટલ, અને ફીઝા વ્હાઇટ જીરા મસાલા કાર્બોનેટેડ બીવરેજની 1200 બોટલનો સમાવેશ થાય છે.
તપાસ દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ડેઝીગ્નેટેડ ઓફિસરની ટીમ દ્વારા કેટલીક ઉણપો નોંધવામાં આવી હતી, જેને સમય મર્યાદામાં સુધારવા માટે ઈમ્પ્રુવમેન્ટ નોટીસ આપવામાં આવી છે.
ફુડ સેફ્ટી વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂનાના પરીક્ષણ અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, આણંદના મદદનીશ કમિશનરની કચેરીએ જણાવ્યું છે.
