બિહારમાં મુઝફ્ફરનગર ભયાનક આગ: 5 માસૂમ બાળકોના મોત, 15 અત્યાર સુધી ગુમ
બિહારના મુઝફ્ફરનગર જિલ્લામાં એક દલિત વિસ્તારમાં 50 મકાનોમાં ભયાનક આગ લાગી છે. રામપુરમ ગામમાં લાગેલી આગમાં પાંચ માસૂમ બાળકોના મોત અને 15 બાળકો ગુમ થયા છે. ભીષણ આગની ઘટનાએ આખા ગામને હચમચાવી નાખ્યું છે. બાળકોના મોતના કારણે ગામ ગમગીનીમાં છવાઈ ગયું છે.
મળતા અહેવાલો મુજબ, આગ પહેલા એક મકાનમાં લાગી, ત્યારબાદ આસપાસના અનેક મકાનમાં ફેલાઈ હતી. આ ઘટનામાં ચાર બાળકો ફસાઈ ગયા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નથી. મૃતક બાળકોમાં ત્રણ એક જ પરિવારના હોવાનું કહેવાય છે. ઘટના બાદ ગામમાં અફરા-તફરી મચી ગઈ છે. ગ્રામજનો તાત્કાલીક બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું, જોકે આગ વિકરાળ હોવાથી કંઈપણ કરી શકવું અશક્ય હતું.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના બે વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ તંત્ર સહિતની ટીમ દ્વારા પુરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે.
આગ કયા કારણોસર લાગી, તે હજુ જાણી શકાયું નથી. જોકે શોર્ટ સર્કિટ અથવા ચુલાના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્રએ તપાસના આદેશ આપી દીધા છે અને પીડિત પરિવારજનોને તાત્કાલીક રાહત આપવાની વાત કરાઈ છે.