વિદેશમંત્રી એસ. જયશંકરની ગુજરાત મુલાકાત: નર્મદામાં લોકાર્પણ અને આણંદમાં સંવાદ
ભારત સરકારના વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધાર્યા હતા. બીજા દિવસે રાજપીપલાની છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે તેઓની MPLADSની ગ્રાન્ટમાંથી રૂપિયા 2.50 કરોડના ખર્ચે એક્સ્પાન્સન પામેલા જિમ્નેશિયમ હોલ અને વ્યાયામના અદ્યતન સાધનોનું લોકાર્પણ કર્યું હતું. જે બાદ આજે આણંદની ચારુસેટ કેમ્પસની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે કેમ્પસમાં નવનિર્મિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ ભારત@2047 અંગે ચારૂસેટના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
ભારત સરકારના વિદેશ મંત્રી ડો. એસ.જયશંકરે ચાંગા સ્થિત ચારુસેટ કેમ્પસની મુલાકાત લઈ ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ “ચેન્જિંગ વર્લ્ડ: ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીસ” થીમ પર ચાવીરૂપ પ્રવચન આપ્યું હતું. વિદેશ મંત્રીએ ચારુસેટના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી વિદ્યાર્થીઓના સવાલોના માહિતીસભર જવાબો આપ્યા હતા.
વિદેશમંત્રી ડો.એસ.જયશંકરે જણાવ્યું હતું કે, રાષ્ટ્રને મહાન બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણ સંસ્થાઓ દેશભરમાં સ્થાપવામાં આવી છે. આવી સંસ્થાઓના સહયોગથી જ ભારત મહાન રાષ્ટ્ર બનશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નસીબદાર છે કે તેમને આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ઉચ્ચ શિક્ષણ મેળવવાની તક મળી છે. છેલ્લા દસ વર્ષમાં દેશમાં તમામ ક્ષેત્રોમાં આમૂલ બદલાવ આવ્યો છે. ભારત આજે આત્મવિશ્વાસ સાથે દુનિયાની સાથે કદમ મિલાવી પડકારોનો સામનો કરી નવી તકોના સર્જન થકી વિકસિત ભારત @2047ના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા આપને આગળ વધી રહ્યા છીએ. વિદેશમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલની તેમના વિઝનરી લીડરશીપને યાદ કરીને ભાવાજંલી અર્પણ કરી હતી.
ભારત સરકારના વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું કે, કાર્યક્રમ ખુબ સરસ રહ્યો. આજે મને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાનો મોકો મળ્યો તે બદલ હું ચારૂસેટનો આભાર માનું છું.
વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે આજે રાજપીપલાની છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે તેઓની MPLADSની ગ્રાન્ટમાંથી રૂપિયા 2.50 કરોડના ખર્ચે એક્સ્પાન્સન પામેલા જિમ્નેશિયમ હોલ અને વ્યાયામના અદ્યતન સાધનોનું લોકાર્પણ કર્યું હતું. તેમજ જિમ્નેશિયમના રમતવીરોના કૌશલ્ય-કરતબને પણ નજરે નિહાળી ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે જ ઉભરતા નવયુવાન ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જે બાદ તેમણે લાછરસ ગામે સ્માર્ટ આંગણવાડી અને પ્રાથમિક શાળાના સ્માર્ટ ક્લાસરૂમનું લોકાર્પણ કર્યું હતું.
બે દિવસ દરમિયાન વિદેશમંત્રીએ પોતે દત્તક લીધેલા ગામોના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને નાગરિકોના આરોગ્યની સુવિધા માટે કુલ રૂપિયા 11.66 કરોડના વિકાસકામોની ભેટ આપી હતી.
પ્રથમ દિવસે (14 એપ્રિલે) તેમણે MPLADS અંતર્ગત દત્તક લીધેલાં ગામો પૈકી તિલકવાડા તાલુકાના વ્યાધર અને અગર ગામ, ગરૂડેશ્વર તાલુકાના આમદલા અને જેતપુર(વઘ.) ગામની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, એમ્બ્યુલન્સ, સક્ષમ સ્માર્ટ આંગણવાડી અને પ્રાથમિક શાળાનાં સ્માર્ટ ક્લાસરૂમ તથા કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે જવાહર નવોદય વિદ્યાલય-કેવડિયા કોલોનીના ટ્રાન્સપોર્ટ વ્હીકલને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
મંત્રીના બીજા દિવસની જિલ્લાની મુલાકાત વેળાએ વિદેશ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સંદિપ બય્યપ્પુ, ઉચ્ચ અધિકારી રવિ અરોરા, વિનય ભૂસારી, નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહ તડવી, છોટા ઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, જિલ્લા કલેક્ટ એસ.કે.મોદી, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જે.કે.જાદવ, જિલ્લાના અગ્રણીઓ, સહિત ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.