તારાપુરના ગોરાડ ગામે ચકચારી હત્યા: પિયરમાં પુત્રી રહે એવી વાત ઝેર બની: જમાઈએ ઊઘાડી હત્યાની હદ
તારાપુર તાલુકાના ગોરાડ ગામમાં એક ચકચારી ઘટના સામે આવી છે. પુત્રીને પિયરમાં રાખવાની વાત પર ઉશ્કેરાયેલા જમાઈએ વડસાસુની હત્યા કરી નાખી છે.
ગોરાડના બેલદાર ફળિયામાં રહેતા જોરૂભાઈ મફતભાઈ બેલદારની પુત્રી નીકિતાના લગ્ન સાત વર્ષ પહેલા ધોળકાના ત્રાસંગ ગામના મુમણ જીવણભાઈ ઉર્ફે બાધાભાઈ બેલદાર સાથે થયા હતા. લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. જમાઈ મુમણભાઈ પોતાની પત્ની નિકિતાને તેના પિયર જવા દેતા ન હતા.
તાજેતરમાં જોરૂભાઈની માતા પામુબેનની બિમારીના કારણે જમાઈ મુમણ, નિકિતા અને તેમની પુત્રી પ્રિયાન્સી ગોરાડ આવ્યા હતા. પામુબેને નિકિતાને બે દિવસ રોકાવાની વાત કરતાં જ જમાઈ ઉશ્કેરાઈ ગયા હતા. પામુબેને જ્યારે નિકિતાને ન મોકલવાની વાત કરી ત્યારે મુમણે તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર હુમલો કર્યો હતો.
હુમલામાં પામુબેનને કપાળ, માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ મામલે જોરૂભાઈએ તારાપુર પોલીસ મથકમાં જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.