માણેજ નજીક ઓવરટેકની કોશિશ અકસ્માતમાં ફેરવાઈ, 1 નું કરૂણ મોત
વાસદ-તારાપુર હાઇવે નજીક માણેજ ઓવરબ્રિજ પર બોલેરો ગાડીની ઓવરટેક કરવાની ઉતાવળમાં ઇકો કારના ડ્રાયવરે સ્ટેયરીંગ પરનો કાબૂ ગૂમાવ્યો હતો. જેથી બેકાબૂ બનેલ કાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં એકનું મોત અને ચારને ઇજા પહોંચી હતી.
મળતી વિગતોમાં રામોદડીમાં રહેતા પ્રમોદભાઇ તળપદાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ સફેદ બોલેરો લઇને બપોરે બોરસદ-ધર્મજ ચોકડી થઇને માણેજ ઓવરબ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા. દરમ્યાન પાછળથી આવતી ઇકો ગાડીના ચાલકે પૂરઝડપે ગાડી હંકારીને ઓવરટેક કરવા દરમ્યાન બોલેરો ગાડીને પાછળ ખાલી સાઇડે અથડાવી હતી.
આ અકસ્માતમાં ઇકો ગાડીના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગૂમાવતા ગાડી ધડાકાભેર રોડના ડિવાઇડર સાથે અથડાઇ હતી. જેથી ગાડીમાં આગળ બેઠેલા ગુલાબભાઇ દીનેશભાઇ ભીલ (રહે.પીંછીપુરા, તા. ગરુડેશ્વર)ને શરીરે ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર મોત નીપજયું હતું. જયારે ઇકો કારમાં સવાર અન્ય મહિલા, પુરૂષ અને બે બાળકોને ઇજા પહોંચી હતી. જેઓને ૧૦૮ ઇમરજન્સી વાન દ્વારા દવાખાને પહોંચાડવામાં આવ્યા હતા. પેટલાદ રુરલ પોલીસે ફરિયાદ દાખલ કરીને ઇકો ગાડીના ચાલક વિરુદ્વ અકસ્માત મોતનો ગૂનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.