આઈસર ટ્રકમાંથી મળ્યો દારૂનો જથ્થો, કારમાં ફરતા શખ્સો સહીત ચારની ધરપકડ
તારાપુર પોલીસે ગઈકાલે સાંજના સુમારે તારાપુર-વટામણ રોડ ઉપર આવેલી મોમાઈ હોટલ પાસેથી એક આઈશર ટ્રકમાં સોમનાથ વેરાવળ લઈ જવાતા વિદેશી દારૂની ૧૧૮ પેટી સાથે ચાર શખ્સોને ઝડપી પાડીને કુલ ૧૪.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે પોલીસને માહિતી મળી હતી કે, એક સફેદ કલરની ભારત બેંઝ આઈસર ટ્રકમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો વાયા તારાપુર થઈને કાઠિયાવાડ તરફ જનાર છે. જેના આધારે પોલીસે તારાપુર ચોકડી પાસે વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન એક સફેદ કલરની આઈસર ટ્રક નંબર જીજે-૦૧, ડીવાય-૫૫૯૪ની આવી પહોંચતા જ પોલીસે તેને રોકીને ડ્રાયવર અને તેની સાથે બેઠેલા શખ્સોને નીચે ઉતારીને નામઠામ પુછતાં સોહિલ અલ્લારખા જોધપુરા અને ડેવિડ ઉર્ફે ડેનિસ ભરતભાઈ વામજા (રે. આલીન્દ્રા, જુનાગઢ)ના હોવાનું જણાવ્યું હતુ. પોલીસે ટ્રકમાં શું ભર્યું છે તે અંગે પુછપરછ કરતા મીણીયાના કોથળા ભરેલા હોવાનું જણાવ્યું હતુ.
પોલીસે શંકાને આધારે મીણીયાના કોથળા હટાવીને તપાસ કરતા અંદર વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની પેટીઓ ગોઠવેલી મળી આવી હતી. જે રાખવા બદલ લાયસન્સની માંગણી કરતા તેમની પાસે નહીં હોવાનું જણાવ્યું હતુ. જેથી બન્નેની પુછપરછ કરતા તેમની ટ્રકની આગળ રાજનભાઈ કરગટીયા આઈ-૨૦ કારમાં પાયલોટીંગ કરતા હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે બન્નેને સાથે રાખીને તારાપુર-વટામણ રોડ ઉપર તપાસ કરતા આઈ-૨૦ કાર નંબર જીજે-૦૧, બીએચ-૫૭૦૧ની મળી આવી હતી. જેમાં સવાર રાજનભાઈ કરગટીયા (રે. જુનાગઢ)અને હાર્દિક ઉર્ફે કાનો રમેશભાઈ વૈયાટા (રે. વેરાવળ)ને અટકમાં લઈને તારાપુર પોલીસ મથકે લઈ આવ્યા હતા. જ્યાં ટ્રક ખાલી કરીને વિદેશી દારૂની પેટીઓ નીચે ઉતારીને ગણતરી કરતા કુલ ૧૧૮ પેટીઓ થવા પામી હતી. જેની કિંમત ૪.૭૪ લાખ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસને ચારેયની અંગજડતીમાંથી ચાર મોબાઈલ ફોન મળી આવ્યા હતા. કાર, ટ્રક સાથે કુલ ૧૪.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને તારાપુર પોલીસ મથકે પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે તેમની પુછપરછ કરતા ઉક્ત વિદેશી દારૂનો જથ્થો જુનાગઢના રાજનભાઈ કરગટીયાએ સુરત-મુંબઈ હાઈવે ઉપર આવેલા મહારાષ્ટ્રના તલાસળી ગામ પાસેથી ભરાવ્યો હતો અને સોમનાથ વેરાવળના રોહિતભાઈ નામના શખ્સને ડીલીવરી આપવાની હતી. આ કબુલાતના આધારે પોલીસે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર રોહિતભાઈને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.