હું આણંદ જાઉં છું’ કહીને નીકળ્યો અને ક્યારેય પરત ફર્યો નહીં
હું આણંદ જાઉં છું’ કહીને માર્બલના વેપારીનો એકનો એક દીકરો પોતાની હોન્ડા સિટી કાર લઇને નીકળ્યો. હજી 24 કલાક પણ નહોતા વીત્યા કે 220 કિમી દૂર તેની અર્ધ સળગેલી લાશ મળી.
ક્રાઈમ ફાઈલ્સના પહેલા એપિસોડમાં તમે વાંચ્યું કે કેવી રીતે આંકલાવના આસોદરના માર્બલના વેપારીના 30 વર્ષીય દીકરાનું ધોળા દિવસે કારમાં અપહરણ થઇ જાય છે. પછી 2 કરોડની ખંડણી માટે કોલ આવે છે. પિતા દોડતાં દોડતાં પોલીસ સ્ટેશન પહોંચે છે. આખા જિલ્લાની પોલીસ દોડતી થઇ જાય છે. આરોપીઓ રાજસ્થાન તરફ જતા હોવાની માહિતી મળે છે. હિંમતનગરમાં એક્ટિવા સાથે 18 વર્ષીય 2 યુવકને ઝડપી લે છે. બીજી તરફ 220 કિમી દૂર એક અર્ધસળગેલી લાશ મળે છે.
આણંદ પોલીસે આપેલા વર્ણનના આધારે હિંમતનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોતીપુરા સર્કલ પર બે યુવાનોને એક્ટિવા સાથે ઝડપી પાડ્યા હતા. બન્નેના નામ હતાં અજયસિંહ ઉર્ફે સાગર ગોપાલસિંહ વાઘેલા (ઉં.18 વર્ષ રહે. સાવલી) અને હર્ષ ઉર્ફે હર્ષરાજ અશોકભાઇ ગઢાદરા (ઉં 18, રહે. સુરત). બંને ગાંધીનગર પોલિટેકનિક કોલેજમાં ડિપ્લોમાનો અભ્યાસ કરતા હતા. જેમને તાત્કાલિક આણંદ લઇ આવવામાં આવ્યા હતા.
આણંદ પોલીસની ટીમે બંનેને બેસાડીને પૂછપરછ શરૂ કરી. પહેલા તો આ કેસમાં પોતાની સંડોવણી હોવાનો ઈનકાર કર્યો હતો. પછી પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા પોપટની જેમ બોલવા માંડ્યા હતા.
18 વર્ષીય આરોપી અજયસિંહ વાઘેલાએ પૂછપરછમાં ઘટસ્ફોટ કર્યો કે હા, અમે લોકોએ જૈમીનનું કિડનેપિંગ કરીને તેનું મર્ડર કરી નાંખ્યું છે અને આ કાવતરામાં મારાં બહેન અને બનેવી સામેલ હતાં. પોલીસે બહેન-બનેવીનાં નામ પૂછ્યાં. અજયસિંહ વાઘેલાએ જે નામ કહ્યું તે સાંભળીને પોલીસ જ નહીં આખા આસોદર ગામના હોંશ ઊડી ગયા હતા.
અજયસિંહ વાઘેલા કહ્યું કે આ કાવતરું હિતેન્દ્રસિંહ જાડેજાએ ઘડી કાઢ્યું હતું. હિતેન્દ્રસિંહ બીજું કોઈ નહીં પણ એકલવ્યભાઈનો ભાડૂઆત હતો.
અજયસિંહ વાઘેલા અને હર્ષ ગઢાદરાએ કબૂલાત આપ્યા બાદ પોલીસની એક ટીમ તુરંત માસ્ટર માઈન્ડ હિતેન્દ્રને ઝડપી લેવા રવાના થઈ હતી. એ વખતે હિતેન્દ્ર અને તેની પત્ની હીરલ પોતાના ઘરમાં જ નિશ્ચિંત હતાં. તેમને એવું હતું કે પોલીસને કંઈ જ ખબર નહીં હોય. પોલીસે દરવાજો ખખડાવતા હિતેન્દ્રએ ખોલ્યો. સામે પોલીસને જોતાં જ હિતેન્દ્રના મોતિયા મરી ગયા હતા. પછી બંન્નેને પકડીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યાં હતાં.
તમામ ચારેય આરોપીઓને પોલીસે સાથે બેસાડીને પૂછપરછ કરી. આશ્ચર્યની વાત એ છે કે હીરલ અને અજયસિંહ વાઘેલા ભાઈ-બહેન હતાં. હિતેન્દ્રએ જઘન્ય ક્રાઇમ માટે પોતાના સાળાની મદદ લીધી હતી. જ્યારે હર્ષ ગઢાદરા અજયસિંહ વાઘેલાનો ભાઈબંધ હતો. તેને પૈસાની લાલચ આપીને સામેલ કર્યો હતો.
નડિયાદમાં રહેતા 46 વર્ષીય હિતેન્દ્રસિંહ ઉર્ફે હીતુભાઈ બહાદુરસિંહ જાડેજા (મૂળ ગામ- મોટવડા તા.લોધિકા. જિ.રાજકોટ)એ એકલવ્યભાઇના શોપિંગ સેન્ટરમાં એક દુકાન ભાડે રાખી આસોપાલવ સાડી સેન્ટર નામથી ધંધો શરૂ કર્યો હતો. જેમાં તેને 15 લાખ રૂપિયાનું દેવું થઇ ગયું હતું. બીજી તરફ જોઇએ તેવો ધંધો પણ ચાલતો નહોતો. હિતેન્દ્રને જલદીથી દેવામાંથી બહાર આવવું હતું અને સતત પૈસા કમાવવાના જ વિચાર આવતા હતા. જેમાં તેને કિડનેપિંગ કરવાનો ખતરનાક વિચાર આવ્યો હતો. આ માટે તેણે ‘શિકાર’ શોધવાનુ શરૂ કર્યું. જેમાં તેની નજર દુકાનના માલિક અને માર્બલના વેપારી એકલવ્યભાઇ પટેલના દીકરા જૈમીન પર ગઇ.